Gujarat government employees leave : યુદ્ધની તંગદિલી પછી રાહત: હવે રજા લઈ શકશે સરકારી કર્મચારી
Gujarat government employees leave : તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી અને યુદ્ધસદૃશ સ્થિતિ સર્જાતા, રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ હતી. સરકાર તરફથી દરેક વિભાગના કર્મચારીઓ—બોર્ડ, નિગમ, કોર્પોરેશન અને પંચાયત—ને તાત્કાલિક ફરજ પર રહેવા માટે સૂચના અપાઈ હતી.
પરંતુ હવે 10મેના રોજ બંને દેશોએ સીઝફાયર જાહેર કરતાં, સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનવા લાગી છે. પરિણામે, રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં તમામ કર્મચારીઓની રજાઓ ફરી મંજૂર કરવાની છૂટ આપી છે. જનજીવન ફરી પૂર્વવત થઈ રહ્યું હોવાથી, કર્મચારીઓને હવે તેમના રજાના હકનો લાભ લઈ શકાશે.
જવાબદારીમાં રાહત નહીં, તાત્કાલિક હાજરી રહેશે જરૂરી
રાજ્ય સરકારે આ નિર્ણય સાથે એક શરત પણ મુકેલી છે—કોઈ પણ અનિવાર્ય પરિસ્થિતિમાં કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે. ઉપરાંત રજાની અવધિ દરમિયાન તેઓએ ફોન અને ઈમેલ જેવા માધ્યમો દ્વારા સતત સંપર્કમાં રહેવું ફરજિયાત રહેશે.
હાલ રાજ્યસેવા, પંચાયત સેવા અને અન્ય સંસ્થાઓને મળીને કુલ 4.78 લાખ સરકારી કર્મચારીઓ વિવિધ વિભાગોમાં ફરજ બજાવે છે. તેમની કામગીરી સરકાર માટે મહત્વની ગણાય છે, અને આવા સંજોગોમાં પણ કામગીરીમાં કોઈ ખલેલ ન પડે એ માટે રજાઓ અંગે આ નિયંત્રિત છૂટ અપાઈ છે.