દાહોદ : સંવેદનશીલ ગણાતી ગુજરાતની રૂપાણી સરકાર હવે બાળકોને કુપોષણમુક્ત કરવા માટે મરઘીના ઈંડા ખવડાવવા જઇ રહી છે. સરકારના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પશુપાલન વિભાગ દાહોદ જિલ્લાના કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર માટે તેના પરિવારને ઉત્તમ જાતની 10 મરઘી, એક મરઘો, પાજરૂં અને ચણ આપશે.
તાજેતરમાં થયેલા એક સર્વેમાં ગુજરાતમાં કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. ફક્ત દાહોદ જિલ્લામાં આશરે 12500 થી પણ વધુ બાળકો કુપોષણથી પીડાય છે. આ સંખ્યા સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. આથી સરકારે આ પાયલોટ પ્રોજેક્ટ માટે દાહોદ જિલ્લાને પસન્દગી આપી છે.
નોંધનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 23મી જાન્યુઆરીએ દાહોદથી ગુજરાત પોષણ અભિયાન વર્ષ 2020’નો પ્રારંભ કરાવ્યો હતો અને કેટલાક લોકોએ પાલક વાલી તરીકે અતિકુપોષિત બાળકોને દત્તક પણ લીધા હતા.
હવે જયારે સરકારે કુપોષણથી પીડાતા બાળકોને ઈંડા ખવડાવવા માટે મરઘાં આપવાનું નક્કી કર્યું છે ત્યારે એક સવાલ એ પણ થાય કે સમગ્ર દેશમાં સૌથી વધુ શાકાહારી રાજ્ય ગણાતું ગુજરાત પોતાના બાળકોને ઈંડા ખવડાવશે કે કેમ? આમ હવે આ પ્રયોગ કેટલા અંશે સફળ થાય તે જોવું જ રહ્યું.