પ્રધાનમંત્રી મોદીએ દેશ-દુનિયાને આપેલી અણમોલ ભેટ એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. પીએમ મોદીના સક્રીય પ્રયાસોથી ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ધરોહર અને દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2015થી દર વર્ષ 21મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં યોગ દિવસની ઉજવણીનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. વ્યક્તિના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય-તંદુરસ્તીને ચુસ્તી-સ્ફૂર્તીથી તરબતર રાખતી યોગ સાધનાથી હ્વદયરોગની બિમારીઓ પણ દૂર થઈ શકે તે અંગેની જનજાગૃતિ માટે આ વર્ષે પાંચમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ-વિષયવસ્તુ ‘‘યોગ ફોર હાર્ટ કેર’’ રાખવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નક્કી કર્યું છે.
ગુજરાતમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 33 જિલ્લાઓ, 8 મહાનગરો, જિલ્લા, તાલુકા, નગરપાલિકાઓનાં 50 હજારથી વધુ સ્થળોએ 1.51 કરોડથી વધુ લોકો સામૂહિક યોગ અભ્યાસમાં જોડાશે ઉપરાંત રાજ્યના પ્રવાસન-યાત્રાધામો અને ઐતિહાસિક મહત્તા ધરાવતા સ્થાનો સાથે જોડીને યોગ સહ પ્રવાસનને વેગ આપવાનો નવતર અભિગમ ગુજરાતે અપનાવ્યો હોય અંબાજી, સોમનાથ, દ્વારિકા, લોથલ, રાણકીવાવ, મોઢેરા સૂર્યમંદિર, ડાકોર, શામળાજી, પાવાગઢ, સીદી સૈયદની જાળી, સરખેજ રોજા, લોથલ, પોરબંદર કિર્તીમંદિર, ઉદવાડા પારસી અગિયારી, અમૂલ ડેરી, મહાત્મા મંદિર સમીપે દાંડીકૂટિર, અક્ષરધામ, તુલસીશ્યામ, કવિ કલાપીની જન્મભૂમિ, બૌધ ગુફાઓ તેમજ સાપૂતારા જેવા પ્રવાસન ધામો સહિત 150 જેટલા ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રવાસન સ્થાનોએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણીનું સૌથી મોટું કેન્દ્ર અમદાવાદ રહેશે. અમદાવાદમાં રાજ્ય કક્ષાનો યોગ દિવસ ઉજવવામાં આવશે.
આતંરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીની પાંચમી કડીમાં વધુમાં વધુ લોકોને સામૂહિક યોગાભ્યાસમાં સાંકળી લેવાનું આયોજન રૂપાણી સરકારે કર્યુ છે. તેથી આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સરકારી, ખાનગી, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ સહિત જી.આઈ.ડી.સી. સાથે સંકળાયેલા ઊદ્યોગકારોનાં સ્વૈચ્છિક સંગઠનો પણ યોગ સાધનામાં જોડાવાના છે. સનાતન હિન્દુ ધર્મમાં પણ યોગ-પ્રાણાયમ સાધનાનું વિશેષ મહત્વ હોવાથી તેને વ્યાપક ઊજાગર કરવા પ્રધાનમંત્રી-મુખ્યમંત્રીની પ્રેરણાથી પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ ધર્મસંપ્રદાયના 1000 જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓને પણ સામૂહિક યોગ અભ્યાસમાં સહભાગી બનશે અને આમ, સૌ કોઈ યોગ-પ્રાણાયમ થકી એકાગ્રતા-એકતા-સામૂહિકતાથી શાંતિ-બંધુત્વ અને સમરસતાને ઊજાગર કરશે. આ સમરસતા-એકતાને રાષ્ટ્રની અખંડિતતા ઐકયના પ્રતિક સરદાર પટેલની સ્મૃતિ સાથે જોડીને સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કેવડીયા ખાતે આ સાધુ-સંતો-મહંતો પણ સામૂહિક સાંધ્ય યોગ અભ્યાસમાં જોડાશે અને અનેકતામાં એકતાના મંત્રને યોગ સાધનાથી સાકાર કરશે. નોંધનીય બાબત છે કે, પ્રથમ વાર વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ રાજ્યોના 700થી વધારે સાધુ સંતો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહી યોગ કરશે.