ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. તેમજ રાજ્યનાં તમામ જિલ્લાઓમાં IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે વિવિધ જિલ્લામાં પ્રભારી સચિવની નિમણુંક કરવામાં આવી છે. બીજીતરફ મુખ્યમંત્રીએ પોતાના 15 જાન્યુઆરી સુધીના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. અને કલેક્ટરો તેમજ મ્યુ. કમિશ્નરો સાથે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કાર્યવાહી ઝડપી બનાવવા આદેશો કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા જિલ્લાઓના પ્રભારી સચિવની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આ અનુસાર અમદાવાદ પ્રભારી તરીકે સચિવ મુકેશ કુમારને નિમાયા છે. તો રાજકોટમાં રાહુલ ગુપ્તા, વડોદરામાં વિનોદ રાવની નિમણૂક કરવામાં આવી છે. સાથે જૂનાગઢમાં હરિત શુક્લ, જામનગર એન.બી.ઉપાધ્યાયની નિમણૂક જિલ્લાના પ્રભારી સચિવ તરીકે કરવામાં આવી છે. આ સાથે જ ભાવનગરમાં સોનલ મિશ્રાને પણ જવાબદારી સોંપાઈ છે.
હાલ રાજ્યમાં દરરોજ કોરોનાના 4000થી વધુ કેસો આવવા લાગ્યા છે, જેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ કાર્યક્રમો કેન્સલ કરી દીધા છે. અને વિવિધ જિલ્લા કલેક્ટર તેમજ મ્યુ. કમિશ્નરો સાથે બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન સંત સંમેલનમાં માસ્ક વિના હાજર રહેલા ભાજપ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ઋત્વિજ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈ તેઓને હોમ એસોલેટ કરવામાં આવ્યા છે. સરકાર સાંજના 7 વાગ્યા સુધીમાં કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરે એવી શક્યતા છે.