Gujarat Gram Panchayat Election: ગ્રામ પંચાયત ચૂંટણીમાં 10,479 મતદાન મથકો પર મતદાન, 25મી જૂને થશે મતગણતરી
Gujarat Gram Panchayat Election: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે 22 જૂને ગુજરાતમાં ગ્રામ પંચાયત માટે મતદાન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કુલ 3,541 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાશે. મહત્વનું એ છે કે કડી, જોટાણા, વિસાવદર, જુનાગઢ (ગ્રામ્ય) તથા બગસરાના તાલુકાઓમાં પેટા ચૂંટણીના કારણે 238 ગ્રામ પંચાયતો માટે મતદાન હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે.
કુલ 10,479 મતદાન મથકો પર મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 3939 મથકો ‘સંવેદનશીલ’ તથા 336 મથકો ‘અતિ સંવેદનશીલ’ તરીકે ઓળખાયા છે. રાજ્યભરના 81 લાખ મતદારો પોતાનો મત આપી શકશે. સુરક્ષાની દ્રષ્ટિએ તમામ સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ ચુંટણીમાં સરપંચ પદ માટે 3656 જગ્યાઓ માટે 16,224 ઉમેદવારો મેદાનમાં છે. બિનહરીફ ચુંટણી સહિત કેટલીક પંચાયતોમાં કોઈ ઉમેદવારનું નામ નોંધાયું નથી, જેના કારણે કુલ 3,541 સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ગ્રામ પંચાયતોમાં મતદાન થશે. એ ઉપરાંત 3,524 પેટા ચૂંટણીમાં પણ 353 સ્થળે મતદાન કરાશે.
મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાન માટે મતદારોએ ચૂંટણીકાર્ડ સહિત સરકાર દ્વારા મંજૂર 14 પુરાવામાંથી કોઈપણ એક રજૂ કરવો જરૂરી છે. તમામ મતદાન મથકો પર બેલેટ પેપર દ્વારા મતદાન થશે, જયારે મતગણતરી 25 જૂનના રોજ હાથ ધરાશે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ શકે. આ તમામ ચુંટણીઓ 27 જૂન સુધીમાં સંપન્ન થશે.