Gujarat heavy rain alert: હવામાન વિભાગની મોટી ચેતવણી: છાપરાં ઉડી જાય એવો પવન, 5 દિવસ દરિયો જોખમી
Gujarat heavy rain alert: ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવાશે. ભારતીય હવામાન વિભાગે રાજ્ય માટે 24થી 30 મે વચ્ચે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 40 થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા છે. આ સાથે જ માછીમાર સમુદ્ર ન ખેડે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ
આજથી જ નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે, જેના કારણે જાફરાબાદના બંદરે પ્રથમ ક્રમનું ચેતવણી સંકેત અપાયું છે. તંત્ર દ્વારા વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, ભરૂચ અને નર્મદા સહિતના જિલ્લાઓ માટે પણ ચેતવણી આપવામાં આવી છે. રાજયના અમુક વિસ્તારો માટે યેલો એલર્ટ અને અમુક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
8 દિવસ વહેલું કેરળમાં ચોમાસું, ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસવાની શક્યતા
સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને પ્રવેશ કરે છે, પરંતુ આ વર્ષે તે 23 મેના રોજ જ વિધિવત રીતે બેસી ગયું છે. આ સાથે જ મહારાષ્ટ્રના રત્નાગિરી નજીક ઓછું દબાણ રચાઈ ડિપ્રેશનમાં ફેરવાયું છે, જેના કારણે દેશના પશ્ચિમી વિસ્તારમાં હવામાન પલટાયુ છે.
અંબાલાલ પટેલની આગાહી: છાપરાં ઉડી જાય તેવો પવન
જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 24થી 27 મે વચ્ચે ગુજરાતના ઘણા વિસ્તારોમાં આંધી-વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 28 મે પછી વરસાદની તીવ્રતા વધશે અને જૂનના પ્રારંભ સુધી પવનની ગતિ ઘણી વધી જશે. ઘણા વિસ્તારોમાં કાચાં મકાનોના છાપરાં ઉડી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા છે, જે ખેતપાક પર પણ અસર કરી શકે છે.
આગામી દિવસોની વિસ્તૃત આગાહી:
24થી 26 મે: કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વિજળી સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે.
27-28 મે: સમગ્ર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં મજબૂત પવન સાથે ગાજવીજ અને વરસાદ.
29-30 મે: સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદનો દોર ચાલુ રહેશે.
દરિયો ન ખેડવા 5 દિવસ માટે સૂચના
આ સંજોગોમાં આગામી પાંચ દિવસ સુધી માછીમારોએ દરિયામાં ન જવાનું અનુરોધ કરવામાં આવ્યો છે. મજુરીથી જીવન જીવતા માછીમારો માટે આ એક તાત્કાલિક અને મહત્વપૂર્ણ સલાહ છે, જેને અવગણવી જોખમકારક સાબિત થઈ શકે છે.
આ વર્ષે ચોમાસું વેલા પહેલા પ્રવેશી ગયું છે અને તેમાં ભારે પવન અને વરસાદની શક્યતા હોવાથી સમગ્ર રાજ્ય માટે સતર્ક રહેવાની ફરજ છે. ખાસ કરીને ખેતમજૂરો, માછીમારો અને રાહદારીઓએ સુરક્ષા માટે આગોતરા પગલાં લેવા જરૂરી બનશે.