Gujarat : નર્મદા ભાજપમાં આંતરિક કલહ: સુનિલ પટેલને ધારીખેડા સુગરનાં ડિરેક્ટર પદેથી હટાવાયા, મહેશ વસાવાનું રાજીનામું
Gujarat : નર્મદામાં ભાજપનો આંતરિક કલહ સામે આવ્યો છે. સુનિલ પટેલને ધારીખેડા સુગરના ડિરેક્ટર પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સહકારી ક્ષેત્રે સુગરમાં પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. મહેશ વસાવાએ નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે. સાંસદ મનસુખ વસાવાએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે.
મહેશ વસાવાએ ગુસ્સામાં રાજીનામું આપ્યું
મનસુખ વસાવાએ જણાવ્યું છે કે સ્થાનિક કક્ષાએ કોઈને વિશ્વાસમાં લેવાયા નથી. મહેશ વસાવાને હટાવવામાં આવ્યા છે તે ખોટું છે. મહેશ વસાવાએ નારાજ થઈને રાજીનામું આપી દીધું છે. ચૂંટણીમાં પાર્ટીને નુકસાન થવાની ભીતિ છે. આગામી થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે સહકાર વિભાગની ચૂંટણીઓ પણ આવી રહી છે અને હવે ભાજપમાં આંતરિક કલહ સપાટી પર આવવા લાગ્યા છે અને તાજેતરમાં બનેલી ઘટનાએ આ કલહને વધુ બળ આપ્યું છે. તાજેતરમાં ધારીખેડા સુગર ફેક્ટરીના કસ્ટોડિયલ ડાયરેક્ટર બનેલા સુનિલ પટેલને હટાવીને બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈને દૂધધારા ડેરીના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.
સ્થાનિક કક્ષાને વિશ્વાસમાં લીધા વિના ગાંધીનગરથી નિર્ણય
એક સમયે BTPના રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂકેલા અને હાલ ભાજપમાં રહેલા મહેશ વસાવાએ આ બંને ઘટનાઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને નારાજગી વ્યક્ત કરતાં મહેશ વસાવાએ ભરૂચ દૂધધારા ડેરીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. મહેશ વસાવા ભૂતકાળમાં ડેરીના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. મહેશ વસાવાના રાજીનામા અંગે સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગાંધીનગરથી આજે સ્થાનિક સ્તરને વિશ્વાસમાં લીધા વિના લેવાયેલો નિર્ણય અયોગ્ય છે અને આવા નિર્ણયથી સહકાર ક્ષેત્રે પક્ષને નુકસાન થવાની શક્યતા છે. તેઓએ કહ્યું કે કોઈ ઈરાદાપૂર્વક આ કરી રહ્યું છે અને તેમને કહ્યું કે ભીતરમાં કશુંક ચાલી રહ્યું છે અને બહાર કશુંક ચાલી રહ્યું છે.