Gujarat ITI courses: ગુજરાતની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં મહત્વપૂર્ણ વિસ્તરણ: 150થી વધુ અભ્યાસક્રમો કાર્યરત, 695 વિદ્યાર્થીઓનો પ્રવેશ
Gujarat ITI courses : ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓ (ITI)માં ચાલી રહેલા અભ્યાસક્રમો અંગે ચર્ચા થઈ. આ ચર્ચા દરમિયાન શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતે માહિતી આપી હતી કે, ગુજરાતની ITI સંસ્થાઓમાં અગાઉ ફક્ત 4 અભ્યાસક્રમો કાર્યરત હતા, પણ હવે 150થી વધુ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
ટેકનોલોજી આધારિત અભ્યાસક્રમોનો વિકાસ
પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, રાજ્ય સરકાર આધુનિક ટેક્નોલોજી અને ઉદ્યોગોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી તાલીમ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ગુજરાતે આગામી દાયકામાં કૌશલ્યમાનવ બળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દેશની પ્રથમ “કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી”ની સ્થાપના કરી છે, જેમાં વિવિધ નવા અભ્યાસક્રમો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
રાજ્યભરમાં ITIમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી
તેમણે વધુમાં જણાવ્યું કે, ઉદ્યોગોની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર નવા અભ્યાસક્રમો શામેલ કરી રહી છે. પોરબંદર જિલ્લાના ત્રણ ITI સંસ્થાઓમાં વિવિધ ટ્રેડની તાલીમ આપવામાં આવે છે, જેમાં:
કુતિયાણા ITI: 8 ટ્રેડ
પોરબંદર ITI: 10 ટ્રેડ
રાણાવાવ ITI: 7 ટ્રેડ
આ ITI સંસ્થાઓમાં 2024માં કુલ 695 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં ઉદ્યોગો માટે ક્વોલિફાઈડ મેનપાવર તૈયાર કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. ITI સંસ્થાઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ટેક્નિકલ કૌશલ્ય વિકસાવવા માટે રાજ્યમાં મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે.