Gujarat Millet Festival: અમદાવાદમાં રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ’ની શરુઆત: લાપસીથી લઈ ચાટ સુધી હેલ્ધી સ્વાદનો આનંદ માણો!
ગુજરાતની 7 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’નું આયોજન
25થી વધુ લાઈવ ફૂડ સ્ટોલ્સ પર મિલેટ થી બનેલી હેલ્ધી વાનગીઓ ઉપલબ્ધ રહેશે
અમદાવાદ, શનિવાર
Gujarat Millet Festival : અમદાવાદમાં રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ’ની શરુઆત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં થઈ. આ અવસર પર મુખ્ય પ્રધાને મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી અને ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ચાર ગોડાઉન કોમ્પલેક્ષનું ઈ-લોકાર્પણ કર્યું.
મિલેટ્સ: પ્રાચીન ધાન્યોથી અદ્યતન ખોરાક સુધી
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બરછટ અનાજ એટલે કે મિલેટ્સ પ્રાચીનકાળથી આપણા ખોરાકનો ભાગ રહ્યા છે. પહેલા મિલેટ ગરીબ વર્ગના ખોરાક તરીકે ઓળખાતા હતા, પણ આજે તે આરોગ્યપ્રદ વિકલ્પ તરીકે વિશ્વભરમાં લોકપ્રિય થયા છે. લગ્ન સમારંભોમાં પણ ખાસ મિલેટ કાઉન્ટર જોવા મળે છે.
તેમણે જણાવ્યું કે, આજે દેશભરમાં 500થી વધુ સ્ટાર્ટઅપ્સ મિલેટ્સના પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ ઉદ્યોગમાં પ્રવૃત્ત છે. એટલું જ નહીં, ઘણા ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) અને સ્વ-સહાય જૂથો પણ આ ક્ષેત્રમાં કાર્યરત છે, જે મહિલા આત્મનિર્ભરતા માટે મહત્વનું પગલું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલનું પ્રવચન
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, મિલેટ્સની ખેતી માત્ર ખેડૂતો માટે જ નહીં, પણ જમીન અને આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. 2023ના આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષના કારણે વિશ્વભરમાં મિલેટ્સના ફાયદાઓ પ્રસર્યા છે.
તેમણે ખેડૂતોએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી. રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.
7 મહાનગરોમાં 2 દિવસીય ‘મિલેટ મહોત્સવ’
ગુજરાતની 7 મહાનગરપાલિકાઓમાં 8 અને 9 ફેબ્રુઆરીએ ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’નું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો, સંસ્થાઓ અને વેપારીઓ એક મંચ પર આવશે.
મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મહોત્સવનું વિશેષ આકર્ષણ રહેશે, જેમાં 25થી વધુ સ્ટોલ્સ પર મોઢા વાટવે એવા વિવિધ મિલેટ ફૂડ જેવા કે ઢોકળાં, થેપલા, ખીચડી, ભેળ, ઈડલી, સૂપ, ગુલાબજાંબુ, લાડું, વફલ્સ, મોમોઝ, પફ વગેરે ઉપલબ્ધ રહેશે.
મહોત્સવમાં ઉપસ્થિત અગ્રણીઓ
આ અવસર પર અમદાવાદના મેયર પ્રતિભા જૈન, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા, જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, ડેપ્યુટી મેયર જતીન પટેલ, અને અનેક રાજકીય અને વહીવટી અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ મહોત્સવ દ્વારા માત્ર મિલેટ્સનું મહત્વ જ નહીં, પણ સ્વાસ્થ્યપ્રદ ખોરાકને પ્રોત્સાહન મળશે, અને પ્રાકૃતિક કૃષિને વધાવવાનું સરકારનું પ્રયાસ સફળ બનશે.