Gujarat News: ગુજરાતમાં 4,024 કરોડ રૂપિયાનું રોકાણ: ભાવનગરમાં બ્રાઉનફિલ્ડ પોર્ટ વિકસાવવાની તૈયારી!
Gujarat News: ગુજરાતના બંદરો રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તે જ અભિગમ સાથે, ભાવનગરમાં બ્રાઉનફિલ્ડ પોર્ટના વિકાસ માટે 4,024 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ખાનગી ક્ષેત્રની પણ ભાગીદારી રહેશે. બંદર વિભાગના મંત્રી રાઘવજી પટેલે આ માહિતી આપી હતી.
બંદરો અને ગુજરાતના આર્થિક વિકાસમાં તેમનું મહત્વ
મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના બંદરો દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનો ફાળો આપે છે. ગુજરાતના 28% દરિયાકિનારાના ભાગ સાથે રાજ્યનું નિકાસ ક્ષેત્ર દેશભરમાં અગ્રેસર છે. રાજ્ય સરકાર બંદરોના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે સતત પ્રયાસો કરી રહી છે, જેથી ગુજરૂાતનો લોજિસ્ટિક્સ અને વેપાર ક્ષેત્ર વધુ મજબૂત બની શકે.
ભાવનગરમાં બ્રાઉનફિલ્ડ પોર્ટ માટે મોટું રોકાણ
ગુજરાત સરકાર બંદરોના આધુનિક વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકી રહી છે. ભાવનગર બંદરના ઉત્તર ભાગમાં રૂ. 4,024 કરોડના અંદાજિત ખર્ચે બ્રાઉનફિલ્ડ પોર્ટ વિકસાવવામાં આવશે. આ માટે કન્સેશન કરાર પણ થઈ ગયા છે.
અન્ય મહત્વના બંદર પ્રોજેક્ટ્સ
છારા LNG ટર્મિનલ:
ગીર સોમનાથ જિલ્લાના છારા ખાતે રૂ. 4,239 કરોડના ખાનગી રોકાણથી LNG ટર્મિનલ વિકસાવવામાં આવી રહ્યું છે, જે 2024 સુધી કાર્યરત થશે.
દહેજ બંદર:
દહેજ બંદરમાં મેસર્સ પેટ્રોનેટ LNG દ્વારા રૂ. 1,656.15 કરોડનું રોકાણ કરીને ત્રીજી જેટીનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
હજીરા બંદર:
હજીરા ખાતે 12-15 MMT ક્ષમતાવાળા બલ્ક જનરલ કાર્ગો ટર્મિનલના વિકાસ માટે તબક્કા-2 અંતર્ગત 182 મીટર લાંબું બર્થ બાંધવામાં આવ્યું છે, જેનુ કુલ ખર્ચ 3,559.6 કરોડ રૂપિયા છે.
ગુજરાત સરકાર રાજ્યના બંદરોને ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ વિકસાવવાનો દ્રષ્ટિકોણ રાખી રહી છે. ભાવનગર સહિત રાજ્યના બંદરોના વિસ્તરણથી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર વધુ મજબૂત બનશે.