જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સરહદી વિસ્તારોમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા ગુજરાતના દરિયાઈ અને રણ વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હોવાનું ટોચના સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત અન્ય લોકોની અવરજવરથી વ્યસ્ત રહેતા સ્થળોને ટારગેટ કરવામાં આવે તેવી આઈબીના ઈનપૂટ ઈન્ટેલિજન્સ વિભાગને મળતા ગુજરાતમાં સઘન વોચ રાખવામાં આવી રહી છે.
વિશ્વસનીય માહિતી પ્રમાણે ગુજરાતમાં ત્રણ આતંકી ઘુસ્યા હોવાના ઈનપૂટ મળી રહ્યા છે. આ ઈનપૂટમાં મહિલા સાથે હૈદ્રાબાદના મોહંમદ ઈબ્રાહીમનો પણ સમાવેશ થાય છે. ઈબ્રાહીમ પુલવામા હુમલામાં સંડોવાયેલો છે. આના સિવાય આત્મઘાતી બોમ્બર રેહાન અને મહિલા પણ સક્રીય થઈ હોવાના ઈનપૂટને આધારે પોલીસ અને આઈબીનું તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે. ગુજરાત પોલીસને ચાંપતી નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે જુલાઈ-2017માં પણ ગુજરાતમાં ત્રણ આંતકીઓ ધૂસ્યા હોવાના ઈનપૂટ પોલીસને મળ્યા હતા. ત્યાર બાદ આ વખતે પુલવામા હુમલા બાદ ગુજરાત પોલીસને ભયાનક આતંકી હુમલાના ઈનપૂટ મળતા પોલીસ દ્વારા સઘન ચેકીંગ ગોઠવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અને બોર્ડર પર બીએસએફના જવાનો પણ સંભવિત ઘૂષણખોરીને લઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.