Gujarat Panchayat Election: ગુજરાત પંચાયત ચૂંટણી: 2.5 વર્ષના વિરામ બાદ 22 જૂને થશે મતદાન, 25 જૂને મતગણતરી
Gujarat Panchayat Election: ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી પણ વધારે સમયથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો અંત આવી રહ્યો છે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર ડૉ. એસ. મુરલીકૃષ્ણે પંચાયત ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે.
તેમણે માહિતી આપી હતી કે 2 જૂન 2025ના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025 રહેશે. મતદાન 22 જૂન 2025ના રોજ યોજાશે અને 25 જૂન 2025ના દિવસે મતગણતરી કરાશે. મતદાર યાદીની આખરી સત્તાવાર પ્રસિદ્ધિ 27 મે 2025ના રોજ થઇ હતી અને ત્યાર પછી આજથી ચૂંટણી સંબંધિત આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે.
આ વખતે ચૂંટણીમાં ઈવીએમ (EVM) નો ઉપયોગ નહીં થાય, એ પણ એક મહત્વની બાબત છે. ચૂંટણી પરંપરાગત બેલેટ પેપર પદ્ધતિથી યોજાશે.
વિશેષ નોંધનીય છે કે રાજ્યની લગભગ 4,000 જેટલી ગ્રામ પંચાયતો છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદારો દ્વારા સંચાલિત થઈ રહી છે. ઉપરાંત, હજુ અન્ય 1,400 પંચાયતોની મુદત 30 જૂન 2025 સુધી પૂર્ણ થવાની છે.
આ જાહેરાત સાથે ગામડાઓમાં લોકશાહી પદ્ધતિથી ફરીથી સત્તા નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે.