છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે જૂનાગઢના માંગરોળ તાલુકાના બગસરા ગામમાં પણ સમસ્યાઓ વધી છે. બગસરા ગામમાં નદીના પાણી વારંવાર આવવાના કારણે ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ગામના લોકોને દોરડાના સહારે નદી પાર કરવાની ફરજ પડે છે. નોંધનીય છે કે ગ્રામજનો પાંચ વર્ષથી આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ચોમાસાને કારણે ઘણી સમસ્યાઓ થાય છે.
પરંતુ માંગરોળ તાલુકાના બગસરા ગામના લોકો માટે ચોમાસાના ચાર માસ પડકારરૂપ હોવાથી તેઓ ભારે મુશ્કેલીથી દોરડા વડે નદી પાર કરી રહ્યા છે. તેમ છતાં છેલ્લા પાંચ વર્ષથી રોડ મંજૂર ન થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમરેલી જિલ્લાના ધારી, દલખાણીયા, ગોવિંદપુર અને કુબડા સહિતના ગીરકાંઠાના ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે રાજુલાના ડુંગર, ડુંગરપરડા, ઝીંઝકા અને કુંભારીયા ગામમાં વરસાદ પડી રહ્યો છે. શહેરમાં સવારથી જ માર્ગો પર વરસાદી પાણી વહી રહ્યા છે. ગીરના દરિયાકાંઠાના ગામડાઓમાં વરસાદ પડતાં મીઠાપુરની શેત્રુંજી નદી બે કાંઠેથી વહી રહી છે.