Gujarat ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા 891 પર પહોંચતી, PM મોદીએ વ્યક્ત કરી ખુશી
Gujarat ગુજરાત માટે ગર્વની વાત છે કે રાજ્યમાં એશિયાટિક સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2019માં થયેલી છેલ્લી ગણતરીમાં જ્યાં સિંહોની સંખ્યા 674 હતી, ત્યાં હવે 2024માં તે વધીને 891 થઈ ગઈ છે. વન વિભાગ દ્વારા 10 થી 13 મે વચ્ચે યોજાયેલી 16મી વસ્તી ગણતરીમાં આ આંકડા સામે આવ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના જંગલો અને નિર્ભય વિસ્તારો હવે સિંહોના માટે વધુ અનુકૂળ બન્યા છે.
સિંહો હવે માત્ર ગીર સુધી મર્યાદિત નથી
સિંહો અગાઉ મુખ્યત્વે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને નજીકના અભયારણ્યોમાં જોવા મળતા હતા. પરંતુ હવે તેમની હાજરી 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં નોંધાઈ છે. તેમાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે.
ગીરની બહાર વસવાટ કરતી વસ્તી વધુ
આ વખતની ગણતરીમાં ચોંકાવનારી બાબત એ રહી કે ગીરના બહાર 507 સિંહો જોવા મળ્યા છે જ્યારે ગિર અને આસપાસના અભયારણ્યોમાં માત્ર 384. બારડા, પાણિયા, ગિરનાર, અને માતિયાલા જેવા વિસ્તારોમાં આ સિંહોનું વસવાટ સ્પષ્ટ થયું છે.
સંપૂર્ણ ગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ
વન વિભાગ દ્વારા આ ગણતરી માટે કેમેરા ટ્રેપ, હાઈ-રિઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, અને GPS આધારિત ડેટા કલેકશન જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો. ગણતરી ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ પદ્ધતિથી કરવામાં આવી હતી, જેમાં 3000 થી વધુ અધિકારીઓ અને સ્વયંસેવકોએ ભાગ લીધો.
बहुत उत्साहित करने वाली जानकारी! यह देखकर बेहद खुशी हो रही है कि ‘प्रोजेक्ट लॉयन’ के तहत किए जा रहे प्रयासों से गुजरात में शेरों को अनुकूल माहौल मिलने के साथ ही उनका संरक्षण भी सुनिश्चित हो रहा है। https://t.co/YFUVBKVtF3
— Narendra Modi (@narendramodi) May 21, 2025
પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની X પોસ્ટમાં લખ્યું કે, “ખૂબ જ રોમાંચક સમાચાર! ‘પ્રોજેક્ટ લાયન’ હેઠળના પ્રયાસો સફળ રહી રહ્યા છે અને એશિયાટિક સિંહો માટે સુરક્ષિત અને અનુકૂળ માહોલ ઉપલબ્ધ થઈ રહ્યો છે.” તેમણે ગુજરાતના વન વિભાગ અને પ્રકૃતિપ્રેમીઓને શુભેચ્છા પાઠવી.
નવતર સફળતા સાથે નવી જવાબદારી
સિંહોની સંખ્યા વધવી શાનદાર સમાચાર છે, પરંતુ સાથે સાથે જંગલોનું સંરક્ષણ, માનવ-પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષને ઘટાડવો અને સુરક્ષિત વસવાટ વિસ્તાર વધારવો એ પણ મહત્વપૂર્ણ બને છે. ગુજરાતનો આ અભિગમ નૈતિક અને પર્યાવરણીય રીતે અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની રહ્યો છે.