નોટબંધી બાદ સૌથી વધુ કાળું નાણું બેનામી પ્રોપર્ટીમાં રોકાયું હોવાનું બહાર આવી રહ્યું છે
અઠવાડિયા અગાઉ જ ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશનર પી.સી. મોદીએ ૪૮૨ કરોડ રૃપિયાની બેનામી મિલકતો ટાંચમાં લીધી હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમની ટ્રાન્સફર બાદ ગુજરાતના આયકર વિભાગના વડા તરીકે ચાર્જ સંભાળનાર એ.કે. જયસ્વાલે પણ આ કવાયતને વેગ આપ્યો છે. ગુજરાતમાં આયકર વિભાગ દ્વારા બેનામી પ્રોપર્ટી શોધી કાઢવા માટે ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની રચના કરવામાં આવી છે. જેમાં પ્રિન્સિપલ ડાયરેકટર ઇન્વેસ્ટિગેશન અમિત જૈનની આગેવાનીમાં ખાસ અધિકારીઓની ટીમ સતત બેનામી પ્રોપર્ટી શોધવા માટે કવાયત કરી રહી છે.
આયકર વિભાગ ઘણા લાંબા સમય સુધી સુષુપ્ત રહ્યા બાદ બે વર્ષથી સક્રિય થતાં જ કરચોરો દોડતા થઇ ગયા છે. ગયા વર્ષે જ આયકર વિભાગે દેશભરમાં મોટા પાયે દરોડા પાડીને અને સર્ચ કરીને કરોડો રૃપિયાનું કાળું નાણું શોધી કાઢયું હતું. ત્યાર બાદ સરકારે કરચોરને કાળું નાણું જાહેર કરવા માટે સરકારે ઇનકમ ડેકલેરેશન સ્કીમ( આઇડીએસ) લોંચ કરી હતી. આ સ્કીમને સફળ બનાવવા માટે સરકારે આયકર વિભાગ મારફતે કરચોરો ઉપર ઘણું દબાણ કરાવ્યું હતું. આઇડીએસ અંતર્ગત રૃપિયા ૬૭ હજાર કરોડ કરતાં વધુ કાળું નાણું જાહેર થયું હતું.ત્યાર બાદ સરકારે કાળું નાણું બહાર લાવવા અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના હેતુસર રૃપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ કરી દીધી હતી.