Gujarat rain forecast: ચોમાસાના 25 દિવસ બાદ હવામાનમાં બદલાવ, કાલથી વરસાદ ઘટી શકે
Gujarat rain forecast: રાજ્યમાં સતત 25 દિવસથી ધોધમાર વરસાદનો માહોલ રહ્યો છે. હવે હવામાન નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે 9 જુલાઈથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ઓછો પડી શકે છે. જેના કારણે ખેડૂતોને વાવેતર તથા પાક સંભાળવા માટે જરૂરી વિરામ મળી શકે છે.
19 જુલાઈથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના
હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટી અને પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 19 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાઈ શકે છે. જેના કારણે રિએક્ટિવ ટ્રફ ફરીથી સક્રિય બનવાની શક્યતા છે અને જુલાઈના છેલ્લાં 10 દિવસ ફરી વરસાદી રહેશે.
ખેડૂતો માટે ‘વરાપ’નું સુવર્ણ અવસર, વાવેતર અને માવજતની તકો
હવામાનમાં આવતા વિરામથી ખેડૂતોને ખેતીના કાર્યમાં ગતિ મળશે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે હવે એક અઠવાડિયાનો વરાપ અવકાશરૂપ સાબિત થઈ શકે છે. હળવા ઝાપટાં વચ્ચે પાક બચાવાની અને માવજત કરવાની શક્યતા વધશે.
મધ્ય પ્રદેશ તરફ વધતી સિસ્ટમથી ઉત્તર ગુજરાતમાં થોડી વધારે વરસાદની સંભાવના
હાલ પશ્ચિમ બંગાળ તરફથી ઉત્તર પશ્ચિમ દિશામાં ચાલી રહેલી સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત અને રાજસ્થાન બોર્ડર તરફ થોડું વધારે વરસાદ શક્ય છે. જોકે એ તીવ્ર નહીં હોય, હળવા-મધ્યમ ઝાપટાંની જ શક્યતા છે.