Gujarat Rain હવામાન વિભાગે 25 જૂન સુધી રેડ એલર્ટ જાહેર કર્યો, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ખાસ ચેતવણી
Gujarat Rain ગુજરાતમાં મોનસૂન આખરે પોતાના જોર પર છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહી સાથે ચેતવણી આપી છે. ખાસ કરીને સુરત, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને દીવ સહિતના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ મુજબ આગામી 3 કલાક દરમિયાન પવનની ગતિ 41 થી 61 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે અને સાથે જ વીજળી સાથે ધોધમાર વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. સુરતમાં તો હાલની સ્થિતિ ખુબ ગંભીર બની છે. વહેલી સવારથી પડેલા 5 ઇંચ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના અઠવાલાઇન્સ, રાંદેર, અડાજણ, વરાછા અને ડોભોલી વિસ્તારમાં વાહન વ્યવહાર પણ અસ્તવ્યસ્ત થઈ ગયો છે. જેના પગલે શાળાઓમાં રજા જાહેર કરવી પડી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 જૂન સુધી ભારે વરસાદની શક્યતા જણાઈ રહી છે. જોકે હવામાન વિભાગે જણાવ્યું છે કે 24 બાદ આ વિસ્તારોમાં વરસાદ થોડો ઓસરી શકે છે પરંતુ 27 જૂનથી ફરી એક રાઉન્ડ ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ 27 સુધી તીવ્ર વરસાદની આગાહી છે.
મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ, પાટણ, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર અને તાપી જિલ્લામાં હળવો વરસાદ શક્ય છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે એક સાથે ચાર સક્રિય સિસ્ટમ – લો પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને મોનસૂન ટ્રફ – ગુજરાતમાં એક્ટિવ હોવાથી આગામી દિવસોમાં પણ આ વરસાદી માહોલ જળવાઈ રહે તેવી શકયતા છે.