Gujarat Rain Update: 50-60 કિમીની ઝડપે ફૂંકાશે પવન, વીજળી પડવાની શક્યતા
Gujarat Rain Update: ગુજરાત રાજ્ય માટે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ચિંતા વધારતી આગાહી કરી છે. અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશન હવે નબળું પડ્યું છે, પરંતુ તેનું અસરકારક પરિણામ હજી પણ ગુજરાત પર જણાઈ શકે છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે જ્યાં 3 દિવસ સુધી ભારે વરસાદ વરસવાની શક્યતા છે. સાથે જ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે આકાશી વીજળી અને વાવાઝોડાની સ્થિતિ સર્જી શકે છે.
આવતીકાલથી શરૂ થશે વરસાદ
26 મે, 2025ના રોજ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. દમણ, દીવ અને દાદરા નગર હવેલી સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમ ધોરણનો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તો ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવો અને છૂટાછવાયો વરસાદ પડી શકે છે.
27 મેએ વધુ ઉગ્ર બનશે પરિસ્થિતિ
27 મેના રોજ હવામાન વધુ બગડશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વીજળીની કડાકાભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજની અસર જણાઈ શકે છે.
28 અને 29 મે – વરસાદ ચાલુ જ રહેશે
28 મેના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધુ પ્રમાણમાં પડી શકે છે. કચ્છના કેટલીક જગ્યાએ હળવો વરસાદ વરસવાની શક્યતા છે.
29 મેના દિવસે દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં હજુ પણ માવઠાની સ્થિતિ યથાવત્ રહેશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ છૂટાછવાય વરસાદી માહોલ રહી શકે છે.
સુરક્ષા પગલાં લેવા હવામાન વિભાગની અપીલ
હવામાન વિભાગે નાગરિકોને સુરક્ષિત રહેવા અને દરિયાકાંઠા વિસ્તારમાં ખાસ જાગૃત રહેવાની અપીલ કરી છે. મજૂર, ખેડૂત, માછીમાર તેમજ પ્રવાસીઓએ હાલના દિવસોમાં જરૂરી સાવચેતી અપનાવવી ખાસ જરૂરી છે.
પવનની ઝડપ વધુ હોઈ શકે છે, ત્યારે વૃક્ષ નીચે ઊભા રહેવું કે વીજળીના થાંભલાં નજીક જવું ટાળો.