Gujarat Rain Updates: સાબરકાંઠાની પરિસ્થિતિ ચિંતાજનક, રાષ્ટ્રીય મહામાર્ગ બંધ
Gujarat Rain Updates: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદે જનજીવન ખોરવી દીધું છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં વરસાદે તબાહી મચાવી છે. ઈડર–ભિલોડા રાષ્ટ્રીય મહામાર્ગ ભેંસકા નદીમાં પુર આવી જતા બંધ કરવો પડ્યો હતો. નવા પુલનો ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
બનાસકાંઠામાં વરસાદનો કહેર, APMCમાં પાણી ભરાયા
બનાસકાંઠાના અમીરગઢ અને ઈકબાલગઢ તાલુકાઓમાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો. ઈકબાલગઢ APMCમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
ઈડરમાં 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ
ઈડર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ઈડરના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા, તથા વીજપોલ ધરાશાયી થતા વિજ પુરવઠો ખોરવાઈ ગયો.
24 કલાકમાં 159 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 12.2 ઇંચ વરસાદ સાબરકાંઠાના વડાલીમાં અને 10 ઇંચથી વધારે ખેડબ્રહ્મામાં નોંધાયો. ભારે વરસાદના કારણે કડિયાદરા, બડોલી, વડાલી અને ખેડબ્રહ્માની નદીઓમાં નવા નીર આવ્યા, જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પણ સાબરકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, તેથી લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.