Gujarat Rajasthan Infrastructure Projects: દિલ્હી બેઠકમાં પેન્ડિંગ પ્રોજેક્ટ્સને ઝડપી અમલીકરણ માટે નિર્ણય
Gujarat Rajasthan Infrastructure Projects: ગુજરાત અને રાજસ્થાનમાં ચાલતા ₹36,296 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ વધારવા માટે દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં આ બંને રાજ્યોના 18 મુખ્ય પ્રોજેક્ટ્સમાં નડી રહેલા કુલ 22 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ પાયાની કામગીરીઓમાં સોલાર ઝોન સ્થાપન, ટેલિકોમ નેટવર્ક વિસ્તરણ, ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ઔદ્યોગિક આયોજન સામેલ છે.
PMG મિકેનિઝમથી નડતા મુદ્દાઓનું સમાધાન
પ્રોજેક્ટ મોનિટરિંગ ગ્રૂપ (PMG) એ ગુજરાત-રાજસ્થાનના વિકાસ કાર્યમાં ધીમે પડી ગયેલા મુદ્દાઓનું સમાધાન લાવવા માટે સરકાર અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ વચ્ચે જોડાણનું કાર્ય કર્યું છે. DPIITના પ્રિન્સિપાલ ઇકોનોમિક એડવાઈઝર પ્રવીણ મહતાએ જણાવ્યું હતું કે, અધિકારીઓને ‘પ્રોએક્ટિવ એપ્રોચ’ અપનાવવા માટે દોરવામાં આવ્યું છે જેથી આ વિલંબિત યોજનાઓને ઝડપથી પાટા પર લાવવામાં આવે.
કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગરમાં સોલાર એનર્જી ઝોન
ગુજરાતમાં સોલાર એનર્જીના વિસ્તૃત ઉપયોગ માટે સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છ જિલ્લાઓમાં વિશિષ્ટ સોલાર ઝોન ઊભા કરવાની યોજના છે. ₹14,147 કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત પાવર ટ્રાન્સમિશન લાઈન્સ અને સબસ્ટેશનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રિન્યુએબલ એનર્જીને નેશનલ પાવર ગ્રિડ સાથે સરળતાથી જોડવાનો હેતુ છે. આ પહેલ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેના ભારતના લક્ષ્યાંક તરફ મોટું પગથિયું સાબિત થશે.
5G-4G ટેલિકોમ નેટવર્કના વિસ્તરણ માટે સમીક્ષા
રિલાયન્સ જિયોના 5G અને 4G નેટવર્ક વિસ્તરણ પ્રોજેક્ટ્સને પણ રાષ્ટ્રીય મહત્વના કામ તરીકે માન્યતા આપવામાં આવી છે. PMG બેઠકમાં આ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં વન વિભાગ અને અન્ય રાજ્ય એજન્સીઓ સાથે જોડાયેલા અવરોધોને દૂર કરવા પર ચર્ચા થઈ. આથી દુરસ્થી વિસ્તારોમાં પણ ઝડપી ડિજિટલ કનેક્ટિવિટી લાવવાનો રસ્તો ખૂલે છે.
PMG પોર્ટલથી ઝડપથી મળશે મંજૂરી
PMG પોર્ટલ એ ખાસ કરીને ₹500 કરોડથી વધુ મૂલ્યના ઔદ્યોગિક અને માળખાકીય પ્રોજેક્ટ્સ માટે એક સરળ મંજૂરી વ્યવસ્થા છે, જ્યાં કોઈપણ ફી ચૂકવવી પડતી નથી. નકારાત્મક મંતવ્યો અને મંજૂરીમાં વિલંબના મુદ્દાઓને દૂર કરીને આ પ્લેટફોર્મ પબ્લિક અને પ્રાઇવેટ ભાગીદારોને લાભ આપે છે.