ગાંધીનગર- ગુજરાત ભાજપના રાજ્યસભા માટેના બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જો કે કોંગ્રેસે હજી તેના બે નામો જાહેર કર્યા નથી. ભાજપ ત્રીજો ઉમેદવાર ઉભો રાખે તો 26મી માર્ચે ચૂંટણી થશે, અન્યથા બન્ને પાર્ટીના બે ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવામાં આવશે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને બજેટ સત્ર દરમ્યાન રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ભાજપે ગુજરાત ભાજપ માટે બે નામો જાહેર કર્યા છે જેમાં એક નામ અભય ભારદ્વાજનું છે અને બીજું નામ પૂર્વ ધારાસભ્ય રમિલાબેન બારાનું છે. કોંગ્રેસે હજી કોઇ ઉમેદવાર જાહેર કર્યા નથી. ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 13મી માર્ચ છે.
ભાજપે તેના સત્તાવાર ઉમેદવારો ઉપરાંત ત્રીજી બેઠક જીતવા માટે ત્રીજો ઉમેદવાર ઉભો રાખશે તો 26મીએ ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ત્રીજા ઉમેદવાર માટે ભાજપને 9 મભાતોની આવશ્યકતા છે જ્યારે કોંગ્રેસને બીજા ઉમેદવારને જીતાડવા માટે માત્ર બે મતો ખૂટે છે.
ગુજરાતમાં રાજ્યસભાની કુલ ચાર બેઠકો ખાલી પડી છે જે પૈકી ત્રણ બેઠકો ભાજપ પાસે હતી અને એક બેઠક પર કોંગ્રેસના સાંસદ મધુસુદન મિસ્ત્રી ચૂંટાયેલા હતા. લોકસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ઝીરો છે ત્યારે આ વખતે કોંગ્રેસના ધારાસભ્યોમાં ક્રોસ વોટીંગ ના થાય અને કોઇ સભ્ય ગેરહાજર ન રહે તો કોંગ્રેસને બીજી બેઠકનો ફાયદો થાય તેમ છે. છેલ્લી ઘડીએ ભાજપ ત્રીજો ઉમેદવાર ઉભો રાખી શકે છે.