ગાંધીનગર : હાલ દેશમાં કોરોના વાયરસની વકરતી સ્થિતિ વચ્ચે શાળા – કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. જોકે, છેલ્લા લાંબા સમયથી સરકારી શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. સરકારી શિક્ષકો નિયમિત શાળાએ પહોંચી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિડીયો બનાવવા સહિતની કામગીરી કરી રહ્યા છે. ત્યારે આ શિક્ષકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે લેવામાં આવેલા નિર્ણય મુજબ, સરકારી શાળામાં 21 દિવસનું વેકેશન મળશે. જેનો અર્થ એ કે શિક્ષકોને તારીખ 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી શાળામાં વેકેશન રહેશે. ઉલ્લેખનીય છે કે, કોરોના રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે દિવાળી બાદ જ શાળા ખોલવા અંગે નિર્ણય લેવાનું જણાવ્યું છે.
ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓમાં આ વેકેશનની તારીખ લાગુ પડતી હોય છે.