Gujarat Share Market : ગુજરાતમાં એક્ટિવ રોકાણકારોની સંખ્યામાં 25% ઘટાડો, ટર્નઓવર પણ 11.50% ઘટ્યો
Gujarat Share Market : શેરબજારમાં સતત ચાલી રહેલી ઉથલપાથલને કારણે રોકાણકારોનો વિશ્વાસ ઓછો થવા લાગ્યો છે. Gujaratમાં એક્ટિવ ઈન્વેસ્ટરોની સંખ્યામાં 25%નો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી મહિનામાં ગુજરાતના ઈન્વેસ્ટરોનું ટર્નઓવર 1.6 લાખ કરોડ રહ્યું, જે ડિસેમ્બરની સરખામણીએ 11.50% ઓછું છે.
શેરબજારમાં રોકાણકારોની ભાગીદારીમાં મોટો ઘટાડો
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના રિપોર્ટ અનુસાર, શેરમાર્કેટમાં સક્રિય ઈન્વેસ્ટરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માસિક ધોરણે ઓછામાં ઓછા એક વાર સોદો કરનારા ઈન્વેસ્ટરોની સંખ્યા 24.6% ઘટી છે. માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે બજારમાં વધતી અસ્થિરતા અને મંદીનો ભય રીટેલ ઈન્વેસ્ટરોને દુર કરી રહ્યો છે.
સ્મોલકેપ શેરોમાં ભારે ધોવાણ
માર્ગદર્શકોના મત અનુસાર, કોરોનાકાળ પછી મોટી સંખ્યામાં નવા યુવાન ઈન્વેસ્ટરો શેરમાર્કેટમાં પ્રવેશ્યા, પરંતુ આ નવી પેઢી માટે મંદીનો અનુભવ નવી વસ્તુ છે. બજારમાં ચાલી રહેલી સતત મંદીને કારણે તેઓ આઘાતમાં છે. ખાસ કરીને સ્મોલકેપ અને મીડકેપ સેગમેન્ટમાં 60% સુધીનું ધોવાણ જોવા મળ્યું છે, જેમાં નાના ઈન્વેસ્ટરો મોટાપાયે ફસાઈ ગયા છે.
ગુજરાત-મહારાષ્ટ્રનો દબદબો, ટર્નઓવરમાં ઘટાડો
જાન્યુઆરીમાં કેશ માર્કેટમાં સૌથી વધુ ટર્નઓવર ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનો દબદબો રહ્યો. મહારાષ્ટ્રના ઈન્વેસ્ટરોનું ટર્નઓવર 2.7 લાખ કરોડ અને ગુજરાતનું 1.6 લાખ કરોડ હતું. જો કે, ટોપ-10 રાજ્યોમાં કર્ણાટક સિવાય તમામના ટર્નઓવરમાં ઘટાડો નોંધાયો છે. Gujaratમાં 11.5%નો સૌથી મોટો ઘટાડો થયો છે.
રીટેઇલ ઈન્વેસ્ટરોની સંખ્યા ઘટી
મહારાષ્ટ્ર અને Gujarat સંયુક્ત રીતે શેરબજારના કુલ ટર્નઓવરના 30% હિસ્સેદાર છે, જેમાં મહારાષ્ટ્ર 18.9% અને Gujarat 10.8% યોગદાન આપે છે. સમગ્ર દેશમાં રીટેલ ઈન્વેસ્ટરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં 24.1 લાખ, Gujaratમાં 16 લાખ અને ઉત્તર પ્રદેશમાં 13.1 લાખ ઈન્વેસ્ટરો શેરબજારથી દુર થયા છે. Gujaratમાં સક્રિય ટ્રેડરોની સંખ્યામાં સૌથી વધુ 24.6%નો ઘટાડો નોંધાયો છે.