અમદાવાદ : કોરોના મહામારીથી સૌકોઈ હાહાકાર પોકારી ઉઠ્યા છે. આ વાયરસની ઝપેટના આવતા દર્દીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં મળેલી માહિતી મુજબ પ્રદેશ ભાજપ કાર્યાલયમાં 6 લોકો પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પ્રદેશની કાર્યાલય ઓફિસ બહાર રીબીનવાળા બેરીકેડ પણ લગાવવામાં આવ્યા છે.
વિગતો મુજબ ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, કમલમના ટેલિફોન ઓપરેટર રાકેશ પંડયા, કમલમ પર સફાઈકર્મીઓને લાવનાર ડ્રાયવર સહીત કમલમ પરના 2 સફાઈ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તાજેતરમાં કમલમની વિઝીટ કરનાર ભાજપી નેતામાં ફફડાટ ફેલાયો છે. આ સાથે જ તે તમામને ક્વોરેન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરાવવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના સંસદસભ્ય હસમુખ પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. તેઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.