Gujarat summer water supply: ઉનાળાની ગરમીએ સરકારને ચિંતિત બનાવી, મુખ્યમંત્રીએ પીવાના પાણીના પૂરતા પુરવઠા માટે આપ્યા કડક આદેશ
Gujarat summer water supply: ગુજરાતમાં વધતી ઉનાળાની તીવ્રતાને પગલે લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે, ત્યારે રાજ્ય સરકાર કોઈપણ નાગરિકને પીવાના પાણીના અભાવનો સામનો ન કરવો પડે તે હેતુસર ચુસ્ત કામગીરીમાં લાગી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં પાણી પુરવઠા, જળ સંપત્તિ અને સરદાર સરોવર નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી કે રાજ્યના દરેક ખૂણામાં પીવાના પાણીની સતત અને વ્યવસ્થિત પુરવઠા સુનિશ્ચિત કરવામાં આવે. આ દિશામાં ત્રણેય વિભાગો વચ્ચે સહયોગ અને સંકલનથી કામ કરવા ઉપર ભાર મૂકાયો.
કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ખાસ દિશા-નિર્દેશ
કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. ટપ્પર ડેમમાં નર્મદા કેનાલ મારફતે વર્ષ દરમિયાન જરૂર મુજબ પાણી ભરી રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પણ નર્મદા જળની પૂરતી ઉપલબ્ધિ રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.
કંઈ નહીં છૂટે નજરથી: 24×7 મોનીટરીંગ અને હેલ્પલાઇન શરૂ
રાજ્યના 18,152 ગામ અને 292 શહેરોમાંથી મોટા ભાગના વિસ્તારોને 372 જૂથ યોજનાઓ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. ખાસ કરીને 10,659 ગામો અને 190 શહેરો નર્મદા આધારિત યોજનાઓથી અને બાકીના વિસ્તાર અન્ય ડેમ આધારિત યોજનાઓથી આવરી લેવામાં આવ્યા છે.
પીવાના પાણીના પુરવઠાની દેખરેખ રાખવા માટે ગાંધીનગર ખાતે 24×7 કંટ્રોલ રૂમ અને 1916 ટોલ ફ્રી હેલ્પલાઇન કાર્યરત કરાઈ છે. સાથે જ, હેન્ડ પંપ રીપેરિંગ માટે 119 ટીમો તૈનાત કરાઈ છે.
અધિકારીઓની હાજરીમાં પ્રેઝન્ટેશન દ્વારા સ્થિતિની સમીક્ષા
આ બેઠકમાં જળ સંપત્તિ પ્રધાન કુંવરજી બાવળિયા, રાજ્ય પ્રધાન મુકેશ પટેલ, મુખ્ય સચિવ પંકજ જોષી સહિત વિવિધ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન પ્રેઝન્ટેશન મારફતે રાજ્યના જળાશયો અને પાણી પુરવઠા યોજના અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “પાણીના એક બૂંદ માટે પણ લોકો ભટકી ન પડે, એ માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”