ગુજરાત રાજ્યમાં આ વખતે સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો છે. આ વર્ષે કચ્છની તમામ નદીઓ, નાળા, ડેમો વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ચૂક્યા છે. તો બીજી તરફ કચ્છનું રણ પણ વરસાદી પાણી ભરાવાને કારણે દરિયાની જેમ છલકાઈ રહ્યો છે. આ વખતે દરિયાઈ પાણી નહીં પરંતુ વરસાદી પાણીથી રણ વિસ્તારમાં પાણીના બેટ છવાયા છે. દક્ષિણ એશિયામાં એકમાત્ર સુરખાબ શહેર (ફ્લેમિંગો સિટી) જે કચ્છના રણમાં આવેલું છે, આ સમયગાળા દરમિયાન દર વર્ષે 10 લાખથી વધારે ફ્લેમિંગો મુલાકાત લેતા હોય છે. આ વર્ષે પણ લાખો ફ્લેમિંગો કચ્છ વિસ્તારમાં આવી પહોંચ્યા છે, જેણે આ દૃશ્યને ખૂબજ મનોહર અને આકર્ષક બનાવી દીધું છે.
ફ્લેમિંગોનું ટોળું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું
કચ્છના રણમાં, ફ્લેમિંગોનું ટોળું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. કચ્છ આમ સૂકો પ્રદેશ ગણાય છે. પરંતુ આ વિસ્તારમાં ફલેમિંગો માટે ખૂબજ સાનુકૂળ વાતાવરણ વાળું બની રહે છે. આ સ્થાન ભારતમાં પક્ષી પ્રેમીઓ માટે કાયમી આકર્ષણનું કેન્દ્ર છે. આ વખતે ભારે વરસાદને કારણે ફ્લેમિંગો માટે ખોરાક અને મૈત્રીપૂર્ણ વાતાવરણ બની ગયું છે. આને કારણે આ સ્થળાંતર કરનાર પક્ષીઓ મોટી સંખ્યામાં કચ્છના રણમાં પહોંચી ગયા છે. ઇરાન અને આફ્રિકાથી લગભગ 10 મિલિયન ફ્લેમિંગો સંવર્ધન માટે આવતા હોય છે.
ફ્લેમિંગો કચ્છના રણમાં દોઢ ફૂટ ઊચા માટીના માળા બનાવે છે
હકીકત એ છે કે કચ્છના સૂકાપ્રદેશના રણમાં દૂર દૂર સૂધી ફક્ત ફ્લેમિંગો પક્ષીઓ જ દેખાઈ રહ્યા છે. આ અદ્ભૂત- આકર્ષક નજારો જોવા માટે દર વર્ષે ઘણાં પ્રવાસીઓ દૂર દૂરથી આ વિસ્તારમાં આવતા હોય છે. પક્ષી વિશેષજ્ઞ રૌનાક ગજ્જરનું કહેવું છે કે કચ્છના આ વિસ્તારમાં દર વર્ષે હજારો સુરખાબ (ફ્લેમિંગો) પક્ષીઓ વિવિધ દેશો અને સમુદ્રોને પાર કરીને રાપરના શિરાનીવાંઢથી અમરાપર સુધીના લગભગ 15-16 કિલોમીટરના વિસ્તારમાં પ્રજનન માટે આવે છે. ફ્લેમિંગો કચ્છના રણમાં દોઢ ફૂટ ઊચા માટીના માળા બનાવે છે.
ચારથી 5 મહિના સુધીનું રહે છે રોકાણ
ભૂજિયા ડુંગર અને કાળા ડુંગરની વચ્ચે ફ્લેમિંગો સિટી (હંસબેટ ) નામના વિસ્તારમાં તેઓ ઈંડા મુકે છે. જ્યાં તેમના માટે સારું હવામાન હોય ચારથી 5 મહિના સુધી રોકાતા હોય છે. આ દરમિયાન બેથી ત્રણ વખત ઈંડા મુકે છે. જ્યારે બચ્ચાં મોટા થાય ત્યારે તે સાથે લઈને ફ્લેમિંગો બીજા દેશ – વિસ્તારોમાં ચાલ્યા જાય છે.
ફ્લેમિંગોને ખોરાક અને સુરક્ષાની કચ્છમાં છે સાનુકૂળતા
પશ્ચિમ કચ્છના ડીસીએફ ડો.તુષાર પટેલનું કહેવું છે કે નવેમ્બરથી માર્ચ સુધી વિદેશી પક્ષીઓનું સામ્રાજ્ય રહેતું હોય છે. સવારે અને સાંજ પડતાં જ પક્ષીઓનો સુંદર નજારો જોવા મળે છે. આખા દક્ષિણ એશિયામાં સુરખાબ પ્રજનન માટે કચ્છના રણને જ કેમ પસંદ કરે છે? આની પાછળનું રસપ્રદ કારણ એ છે કે જ્યારે વરસાદ પડે છે, ત્યારે મીઠાના રણમાં પાણી ભરાઈ જાય છે. મીઠાવાળી જમીન અને તાજા પાણીનું પ્રમાણસર મિશ્રણ એક પ્રકારના બેક્ટેરિયાને જન્મ આપે છે. આ બેક્ટેરિયા દ્વારા શેવાળ પેદા થાય છે. તે શેવાળ અને જંતુ ફ્લેમિંગોનો મુખ્ય ખોરાક છે અને આ વિસ્તાર માનવ વસ્તીથી ખૂબજ દૂર અને સલામત છે. આથી જ ફ્લેમિંગો અહીં આવે છે કારણ કે તેમની તમામ મૂળભૂત આવશ્યકતાઓ જેમ કે ખોરાક અને સુરક્ષાની અહીં સાનુકૂળતા રહે છે.