બોગસ બિલિંગના માધ્યમથી બેફામ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને કરોડો રૂપિયા ઓળવી જવાના ગુનાને બિનજામીનપાત્ર ગુનો બનાવવાના સુધારા સહિતના સુધારા સૂચવતું ગુજરાત માલ અને સેવા વેપાર અધિનિયમ 2017માં ફેરફાર કરતા ખરડાનો આજે ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. કાયદાકીય જોગવાઈને કારણે વણવપરાયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ સામે ઇનપુટ વેરા શાખ મેળવવા માટેનો સમયગાળો અને રીત નક્કી કરાય તે માટે કલમ 140માં પણ સુધારો કરવામાં આવ્યો છે.
આ પ્રકારની લેવડદેવડ કરનારાને શિક્ષાને પાત્ર ગણવાનું નક્કી
બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે માત્ર બિલ જ બનાવવાની કામગીરી કરનારા ગુનેગારો સામે પોલીસના માધ્યમથી પગલાં લઈ શકાય તેવી જોગવાઈ પણ આ વિધેયકના માધ્યમથી દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની લેવડદેવડ કરનારાને શિક્ષાને પાત્ર ગણવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમની કલમ 16ની પેટા કલમ 4માં સુધારો કરવામાં આવ્યો
ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે ઉધારપત્ર કાઢી આપવામાં આવ્યું હોય તે તારીખને બિલ કાઢી આપ્યું હોવાની તારખથી અલગ પાડવાની જોગવાઈ કરવા તથા ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમની કલમ 16ની પેટા કલમ 4માં સુધારો કરવામાં આવ્યો છે. જીએસટી સુધારા ખરડામાં ફેરફાર કરીને દાદરા અને ગગર હવેલી તથા દમણ ને દીવ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ રાજ્યના કાર્યક્ષેત્રમાં સમાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જીએસટી એક્ટની કલમ 2માં સુધારો કરવામાં આવ્યો
આ માટે જીએસટી એક્ટની કલમ 2માં સુધારો કરવામાં આવ્યો છે.આ જ રીતે જીએસટી એક્ટ હેઠળ વેરો જમા કરાવવા માટેના વિકલ્પની પસંદગી કરવા માટેની પાત્રતાની શરતોમાં પણ ફેરફાર કરવા માટે કલમ 10ની પેટા કલમ 2 અને 3ના પેટા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. તદુપરાંત રદ કરી દેવામાં આવેલા જીએસટી નંબર માટેની અરજી ફાઈલ કરવાની જોગવાઈની મુદત વધારવા માટે અને તે માટેની સત્તા જે તે કાર્યક્ષેત્રના અધિકારીને સત્તા આપવા માટે જીએસટી એક્ટની કલમ 30ની પેટા કલમ 1માં ફેરફાર કરવામાં આવ્યો છે.