ગુજરાતમાં આરોગ્યના કારણોસર દારૂની પરમિટ ધરાવતા લોકોની સંખ્યામાં ત્રણ વર્ષમાં 58 ટકાનો વધારો થયો છે. રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગે આંકડા જાહેર કરીને આ માહિતી આપી છે. નવેમ્બર 2020માં ગુજરાતમાં દારૂની પરમિટ ધારકોની સંખ્યા 27,452 હતી, જે હવે વધીને 43,470 થઈ ગઈ છે.
ગુજરાત એ રાજ્ય છે જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. આ રાજ્યની રચના થઈ ત્યારથી, દારૂના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ હતો. રાજ્યની કુલ વસ્તી આશરે 6.7 કરોડ છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્યના આધાર પર પરમિટ આપવામાં આવતી હોવા ઉપરાંત, વિદેશી નાગરિકો અને અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને ગુજરાતની મુલાકાત વખતે મહત્તમ એક અઠવાડિયા માટે પરમિટ આપવામાં આવે છે.
આંકડા મુજબ આ યાદીમાં અમદાવાદ ટોચ પર છે
માહિતી અનુસાર આ યાદીમાં અમદાવાદ ટોચ પર છે. અહીં દારૂની પરમિટ ધરાવતા લોકોની સંખ્યા 13,456 આસપાસ છે. સુરતમાં 9238, રાજકોટમાં 4502, વડોદરામાં 2743, જામનગરમાં 2039, ગાંધીનગરમાં 1851 અને પોરબંદરમાં 1700 દારૂની પરમીટ ધારકો છે. તે જ સમયે, 77 હોટલોને દારૂ સ્ટોર કરવા માટે લાયસન્સ આપવામાં આવ્યું છે. વિભાગ દ્વારા વ્યક્તિઓને દારૂની પરમિટ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે પ્રાદેશિક મેડિકલ બોર્ડ એ પ્રમાણપત્ર જારી કરે છે કે તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે દારૂનું સેવન જરૂરી છે.
પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે નવી સિસ્ટમ મુજબ ગિફ્ટ સિટી વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબને ફૂડ ફેસિલિટી સાથે વાઇન રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, આવી સંસ્થાઓને દારૂની બોટલો વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.