ગુજરાત યુનિ. દ્વારા આગામી 3જી સપ્ટેમ્બરથી બે તબક્કામાં લેવાનાર પરીક્ષાઓને લઈને ગાઈડલાઈન જાહેર કરવામા આવી છે. યુનિ.દ્વારા ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને રીતે પરીક્ષા લેવાનાર છે. પરંતુ ઓનલાઈન ઘણા ઓછા વિદ્યાર્થીએ પસંદ કરતા ઓફલાઈનમા વધુ વિદ્યાર્થી હોવાથી હવે પ્રથમ ઓફલાઈન લેવાઈ રહી છે . ઓનલાઈન પરીક્ષા પસંદ કરનાર વિદ્યાર્થી ઓફલાઈન પણ આપી શકશે પરંતુ રિઝલ્ટ માત્ર ઓફલાઈનના આધારે ગણાશે.
3જી સપ્ટેમ્બરથી બે તબક્કામાં લેવાનાર પરીક્ષાઓને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ
ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પરીક્ષા અને ઓફલાઈન પરીક્ષામાંથી કઈ આપવી છે તે માટે વિકલ્પ પસંદ કરવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાયુ હતુ.જેમાં મુદ્દત વધારવા છતાં પણ માંડ 11થી12 હજારે જ ઓનલાઈન પરીક્ષા પસંદ કરી હતી. ઉપરાંત ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરનારામાંથી પણ અનેક વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા કદાચ નહી લેવાય તેવુ માનીને વિકલ્પ પસંદ કર્યો હોઈ ઓફલાઈન પરીક્ષા 3જીથી લેવાશે તેવુ કન્ફર્મ જાહેર કરાતા ઘણા વિદ્યાર્થીઓએ ઓફલાઈનની માંગણી કરી હતી.રજૂઆતોને પગલે યુનિ.દ્વારા હવે વિદ્યાર્થીઓને બંને પરીક્ષા આપવાનો વિકલ્પ અપાયો છે.
વિકલ્પ પસંદ કરવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાયુ
ઉલ્લેખનીય છે કે જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપવાનું પસંદ કર્યુ હતુ તેઓ 3જીથી લેવાનાર ઓફલાઈન પણ આપી શકશે. પરંતુ પછી તે વિદ્યાર્થીએ ઓફલાઈન પરીક્ષા આપવાની રહેતી નથી.પરંતુ તેમ છતાં જો વિદ્યાર્થી ઓફલાઈન અને ઓનલાઈન બંને પરીક્ષા આપશે તો માત્ર ઓફલાઈન પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે જ પરિણામ તૈયાર કરાશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા જ આપવાના છે તેમની માટે હવે પછી પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામા આવશે.યુનિ.દ્વારા 3જીથી અને 12મીથી બે તબક્કામાં એમ.એ.એમ.કોમ, સેમેસ્ટર 4 તથા બીએ,બીકોમ,બીબીએ-બીસીએ,બીએસસી સેમેસ્ટર 6 તથા એલએલબી સેમેસ્ટર 2 અને 4 અને બી.એડમાં માત્ર છેલ્લા સેમસ્ટરની પરીક્ષા જ લેવાશે.
જિલ્લા કેન્દ્રો ખાતે જ પરીક્ષાના દિવસો સુધી બે ઓબ્ઝર્વર રહેશે
યુનિ.દ્વારા નક્કી કરાયેલી ગાઈડલાઈન મુજબ દરેક કેન્દ્રમાં ક્લાસદીઠ પરીક્ષા આપવા માત્ર 15 વિદ્યાર્થીને એક બેન્ચીસ પર એક ઝીગઝેગ પ્રકારે બેસાડાશે અને બેઠક વ્યવસ્થાની પદ્ધતિ પણ યુનિ.દ્વારા દરેક કેન્દ્રને આપવામા આવી છે. માસ્ક પહેરેીને આવેલા વિદ્યાર્થીને જ પ્રવેશ અપાશે .વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર એક કલાક પહેલા પહોંચવુ પડશે.દરેકનું થર્મલ સ્કેનિંગ કરવામા આવશે. જો કોઈ વિદ્યાર્થી તબિયત નાદુરસ્ત હોવાને લીધે પરીક્ષામા બેસી ન શકે તો તેની એપ્લિકેશન લઈ યુનિ.ના ઓબ્ઝર્વર સાથે મોકલવાની રહેશે.જેની પરીક્ષા લેવા અલગથી વ્યવસ્થા કરાશે.
દરેક કેન્દ્ર પર સુપરવાઈઝરોના બ્લોક આ વખતની પરીક્ષામાં નહી બદલાય .પરીક્ષાના આયોજન માટે આજે ઓબ્ઝર્વરોની મીટિંગ મળી હતી.જેમાં નક્કી કરવામા આવ્યુ હતુ કે આ વખતે દરેક જિલ્લામાં પરીક્ષા હોવાથી ઓબ્ઝરવરોએ જે તે જિલ્લામાં જ પરીક્ષા જેટલા દિવસો ચાલે તેટલા દિવસો રહેવુ પડશે અને દરેક સેન્ટર બે ઓબ્ઝર્વર સ્થાનિક લેવલેથી જ મુકાશે.
પરીક્ષા કેન્દ્રને વિદ્યાર્થી દીઠ રૂ.35 ચુકવાશે
ગુજરાત યુનિ.રાજ્યની એક માત્ર સરકારી યુનિ.છે કે જે દ્વારા સૌથી વધુ વિદ્યાર્થીઓની ઓફલાઈન મોડમાં પરીક્ષા લઈ રહી છે અને તે પણ રાજ્યના 34 જિલ્લા કેન્દ્રો પરથી એક સાથે પરીક્ષા લઈ રહી છે.રાજ્યમાં અમદાવાદ જિલ્લા ઉપરાંત અન્ય તમામ જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર આપવામા આવ્યા છે.જેથી વિદ્યાર્થીને નજીકમાં નજીક સેન્ટર મળી શકે. વિદ્યાર્થીએ પરીક્ષા બેઠક વ્યવસ્થાને લઈને કોઈ પણ રજૂઆત હોય તો પરીક્ષાના બે દિવસ પહેલા પોતાની કોલેજમાં સંપર્ક કરવાનો રહેશે અને આચાર્યના સહી સિક્કા કરવી નકલ યુનિ.ને મોકલવાની રહેશે.યુનિ.દ્વારા કોલેજો માટે કોરોનામાં લેવાતી ખાસ પરીક્ષા માટે ખર્ચ મંજૂર કરાયો છે.જે મુજબ દરેક પરીક્ષા કેન્દ્રને વિદ્યાર્થી દીઠ પ્રતિ સેશન રૂ.35 ચુકવાશે.