Gujarat: ગુજરાતમાં મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. આવતીકાલે 7 મેના રોજ મતદાન યોજાશે. તમારી એક આંગળી સરકાર બનાવવાનો અવસર આપશે. મતદાનને લઇ તમામ બુથ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. બીજી બાજુ, લો કો આકરા તાપમાં મતદાન માટે ઘરની બહાર નીકળી લોકશાહીની અમૂલ્ય ફરજ બજાવતા નજરે પડશે.
લોકશાહીના મહા પર્વની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. આવતીકાલે ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. મતદાન માટે વહીવટી તંત્રની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
દરેક જિલ્લાઓમાં EVM, VVPAT રવાના કરવામાં આવ્યા છે. ચૂંટણી ફરજ પરનો સ્ટાફ પણ બૂથ માટે રવાના થશે. આવતી કાલે ગુજરાતમાં લોકશાહીના મહા પર્વની ઉજવણી થશે. આવતી કાલે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠક ઉપરાંત વિધાનસભાની પાંચ બેઠકો સહિત 12 રાજ્યોની 93 બેઠક પર સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે. આવતીકાલે આપના મતાધિકારનો દિવસ છે. સૌને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવે છે.
2024ની લોકસભા ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હોમ સ્ટેટ- ગુજરાતમાં લોકસભાની સુરત બેઠક બિનહરીફ વિજેતા બનાવીને દેશમાં રેકોર્ડ સર્જનાર ગુજરાતમાં હવે 25 બેઠકો પર મતદાન પુર્વે રાજકીય ઉત્તેજના વધી ગઈ છે
અને દેશભરનું ધ્યાન ગુજરાતની રાજકોટ સહિત અનેક બેઠકો પર કેન્દ્રીત થયું છે. રાજયમાં પ્રથમ વખત નોંધાયેલા 12 લાખથી વધુ મતદારો 4.97 કરોડ મતદારો આવતીકાલે 266 ઉમેદવારોના ભાવિ નિશ્ચિત કરશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમરૂપાલા , મનસુખ માંડવિયા અને દેવુસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે અને સૌથી મહત્વપૂર્ણ આ 25 બેઠકો માં કોંગ્રેસ 23 અને આમ આદમી પાર્ટી 2 બેઠકો પર ચુંટણી લડી રહી છે
ગુજરાતમાં ભાજપે 2014 તથા 2019માં તમામ 26 બેઠકો પર વિજય પતાકા લહેરાવ્યા બાદ 2024માં જીતની હેટ્રીક સર્જવા ઉપરાંત તમામ બેઠકો પર 5 લાખની લીડનો વિજય લક્ષ્યાંક નિશ્ચિત કર્યો હતો પરંતુ ચુંટણીના પ્રારંભે જ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા વિધાનોએ પહેલા રાજકોટ તથા બાદમાં સમગ્ર ગુજરાતમાં વિવાદ સર્જીને અનેક બેઠકો પર રસપ્રદ સ્થિતિ સર્જી છે અને ભાજપને ડેમેજ કંટ્રોલ માટે છેક વડાપ્રધાન નરેન્દ્રમોદી પર આધાર રાખવો પડયો છે અને હવે તેનો કેટલો પ્રભાવ પડયો છે તેના પર સૌની નજર છે.
ગુજરાતમાં મતદાનના સમયે જ આકરા તાપની આગાહી કરવામાં આવી છે અને તેથી તેની અસર મતદાન પર કેટલી થશે તે પ્રશ્ર્ન છે.
ગુજરાતમાં વધુને વધુ મજબૂત થઈ રહેલા ભાજપ સાથે સતત નબળી પડી રહેલી કોંગ્રેસના આ જંગમાં એક તરફ ભાજપે તેની તમામ તાકાતથી ચુંટણી લડી છે તો કેટલાક કોગ્રેસના ઉમેદવારો તેમની ખુદની ક્ષમતાથી વળતી લડાઈ આપી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજકોટ-જામનગર-સુરેન્દ્રનગરને અમરેલી ની બેઠક પર જંગની શકયતા છે તો ક્ષત્રિય આંદોલન- ઠાકોર મતદારો અને આદિવાસી મતક્ષેત્રમા જબરી સ્પર્ધાત્મક સ્થિતિથી બનાસકાંઠા , વલસાડ, સાબરકાંઠા , પાટણ, ખેડા સહિતની બેઠકો પર પણ રસપ્રદ જંગની શકયતા છે. હવે ગુજરાતના મતદારો ભાજપને હેટ્રીક માટે સાથ આપે છેકે કોંગ્રેસને તેના ઉમેદવારો ની ‘મહેનત’ મુજબ મતદાન કરે છે તેના પર નજર છે.
આવતીકાલે ગુજરાતની 25 બેઠકો પર મતદાન
– 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં
– 50788 મતદાન મથકો પરથી મતદાન થશે
– ગુજરાતમાં કુલ 4.97 કરોડ મતદારો કરશે મતદાન
– પુરુષ મતદારો 2 કરોડ 56 લાખ 16 હજાર 540 કરશે મતદાન
– 2 કરોડ 41 લાખ 50 હજાર 603 મહિલા મતદારો કરશે મતદાન
– 1 હજાર 534 અન્ય મતદારો કરશે મતદાન
– ભરૂચમાં સૌથી ઓછા 17 લાખ 23 હજાર 353 મતદારો
– નવસારીમાં સૌથી વધુ 22 લાખ 23 હજાર 550 મતદારો
– 17થી 18 લાખ મતદારો ભરૂચ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર
– 17થી 18 લાખ મતદારો અમરેલી, પોરબંદરમાં
– 17થી 18 લાખ મતદારો મહેસાણા, આણંદ, જૂનાગઢમાં
– 18થી 19 લાખ જામનગર, છોટા ઉદેપુર, વસલાડ, દાહોદ, પંચમહાલ
– 19થી 20 લાખ ભાવનગર, કચ્છ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા
– 20થી 21 લાખ ખેડા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ ઈસ્ટ, બારડોલી
– 21થી 22 લાખ રાજકોટ અને ગાંધીનગર