Gujarat Weather: ગુજરાતમાં શિયાળાનું સમાપન: ફેબ્રુઆરીની શરૂઆતથી જ ગરમીનો ચમકારો, આગામી પાંચ દિવસ તાપમાન સ્થિર રહેવાની શક્યતા!
ગુજરાતમાં શિયાળાની વિદાય, વહેલી સવારે ઠંડી અને બપોરે વધતી ગરમીનો અનુભવ
આગામી પાંચ દિવસ તાપમાન સ્થિર રહેશે, હવામાન વિભાગનો અંદાજ
અમદાવાદ, બુધવાર
Gujarat Weather: ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યો છે, અને રાજ્યમાં ગરમીનો અનુભવ વધી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી તાપમાનમાં અસમાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે, જ્યારે લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન ઉકળાટભર્યું બની રહ્યું છે, અને આગામી પાંચ દિવસ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે.
નલિયામાં લઘુતમ તાપમાનમાં વધારો
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના સૌથી ઠંડા શહેર નલિયામાં લઘુતમ તાપમાન 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.9 ડિગ્રી વધુ હતું. અમદાવાદમાં તો તાપમાનમાં વધુ ઉછાળો જોવા મળ્યો, જ્યાં ફક્ત 24 કલાકમાં લઘુતમ તાપમાન 3.5 ડિગ્રી વધીને 17.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું. “બીજી તરફ, મહત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.”અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું, જે હજી પણ ગરમીનો સંકેત આપી રહ્યું છે.
ગુજરાતના અન્ય શહેરોમાં તાપમાનની સ્થિતિ
વડોદરામાં લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 17.7 ડિગ્રી અને 31.7 ડિગ્રી વચ્ચે તાપમાન રહે્યું. સુરતનું લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી નોંધાયું. ગત રોજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભાવનગરના મહુવામાં 32.6 ડિગ્રી નોંધાયું હતું, જેનાથી ઉનાળાની નિકટતા સ્પષ્ટ થઈ રહી છે.
આગામી પાંચ દિવસ તાપમાન યથાવત્
હવામાન વિભાગના અનુમાન મુજબ, રાજ્યમાં શિયાળાની અસર હવે ઘટી રહી છે, અને દિવસ દરમ્યાન ગરમી વધુ અનુભવાય છે. વહેલી સવારે હળવી ઠંડી અને બપોરે ગરમી વચ્ચે તફાવત જોવા મળી રહ્યો છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી, એટલે કે, ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે ઉનાળાની શરૂઆત થતી જણાઈ રહી છે.