Gujarat Weather Alert: આજ રાત સુધી ગુજરાતના 10 જિલ્લાઓમાં તોફાની વરસાદની ચેતવણી
Gujarat Weather Alert: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી સાથે ભારે વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. ખાસ કરીને રાજ્યના દસથી વધુ જિલ્લામાં આગામી ત્રણ કલાક માટે ભારે પવન, વીજળી અને વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી ત્રણ કલાક સુધી ગુજરાતમાં અણધારી વરસાદ પડી શકે છે. ખાસ કરીને આજે રાત્રે 10 વાગ્યા સુધી રાજકોટ, જામનગર, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, મોરબી, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. અરવલ્લી અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પણ નોંધાયો છે.
ચોમાસું આ વખતે વહેલું આવશે?
હવામાન ખાતાની નવી અપડેટ મુજબ, ચોમાસુ આ વર્ષે નિયમિત સમય કરતાં પાંચ દિવસ વહેલું કેરળ પહોંચવાની શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ ખાતે પ્રવેશ કરે છે, પણ આ વખતે તે 27 મેના રોજ આવી શકે છે. છેલ્લે 2009માં ચોમાસું 23 મેના રોજ આવ્યું હતું.
સમગ્ર દેશમાં પણ વરસાદી માહોલ
છેલ્લાં કેટલાંક દિવસોથી ઉત્તર ભારતમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં વરસાદ પડતાં ગરમીની તીવ્રતા ઘટી છે. પશ્ચિમ વિક્ષેપ અને હવામાનના બીજા પરિવર્તનશીલ કારણો પણ વરસાદ પાછળ જવાબદાર ગણાય છે. આ સાથે ચોમાસાની પહેલા વાવાઝોડા અને પવનનું પ્રવર્તન પણ ઉલ્લેખનીય છે.
સ્થાનિક આગાહીઓ અને અસર
ગુજરાતના હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી અનુસાર રાજ્યમાં 13 મેથી 18 મે સુધી વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે. તેઓએ જણાવ્યું કે મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ જોવા મળી શકે છે. ખાસ કરીને 14 થી 18 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વરસાદની શક્યતા રહેશે.
12 અને 13 મેના રોજ રાજ્યના ઉત્તર અને દક્ષિણ ભાગના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે વરસાદ પડવાની આગાહી છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ-દાદરા નગર હવેલી સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
રોહિણી નક્ષત્ર પછી બીજા તબક્કાનું આગમન
પ્રી-મોન્સૂન એક્ટિવિટીના પ્રથમ તબક્કો 14 થી 18 મે સુધી રહેશે. ત્યાર બાદ 25 મેના રોજ રોહિણી નક્ષત્ર શરૂ થાય છે, ત્યારે બીજીવાર છૂટાછવાયા વરસાદની આશા રાખવામાં આવે છે.