Gujarat Weather: સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી: 6 દિવસ પવન સાથે છુટાછવાયા વરસાદની શક્યતા, ગરમીમાંથી રાહત
Gujarat Weather ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી 6 દિવસમાં માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. ખાસ કરીને 4 મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં માવઠું શક્ય છે, જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.
30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે ખેડૂતો અને વાહનચાલકો માટે ચેતવણી અપાઈ છે. સાથે સાથે રાજ્યના વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં થોડી રાહત જોવા મળી શકે છે. શનિવારે ગાંધીનગરમાં સૌથી વધુ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદ, રાજકોટ, અમરેલી અને વડોદરામાં પણ પારો 41થી 42 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.
ઉત્તર ભારતમાં પણ ભારે અસર:
હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. શુક્રવારે થયેલા વાવાઝોડા અને વરસાદમાં ઓછામાં ઓછા આઠ લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી ચાર મૃત્યુ દિલ્હીમાં નોંધાયા. આગામી દિવસોમાં પણ 20થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ અને અમુક જગ્યાએ કરા પડવાની શક્યતા છે.
આ પરીસ્થિતિના કારણે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજના કારણે પવન અને વાદળોના મિશ્રણથી વરસાદી માહોલ સર્જાયો છે. વેધર નિષ્ણાતો અનુસાર, આ એક સામાન્ય પૂર્વ-મોન્સૂન પ્રવૃત્તિ છે, પણ તેમાં ભારે પવન અને કરા પડવાના ચાન્સ રહે છે.
ચેતવણી અને તૈયારી:
હવામાન વિભાગે ખેડૂતોને પાકોને બચાવવાના પગલાં લેવા, લોકોને ખુલ્લા મેદાનમાં ન જવાનું સૂચન કર્યું છે અને જરૂર પડ્યે સલામત સ્થળે રહેવાની સલાહ આપી છે.