રાજ્યભરમાં આજે ગુરુ નાનક જયંતિ અને કાર્તિકી પૂર્ણિમાની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આજે મંદિરોમાં અન્નકૂટ-વિશિષ્ટ પૂજનના આયોજન પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસનું પણ પરિવર્તન થવા ઉપરાંત શત્રુંજય મહાતીર્થની યાત્રાનો પ્રારંભ થશે.
આજે શીખ સમુદાયના ધર્મગુરુ ગુરુનાનક સાહેબની 549મી જન્મજયંતી પણ ઉજવવામાં આવશે. ગુરુ નાનક જયંતિ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યના ગુરુદ્વારાઓમાં વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો છે તેમજ કથા કિર્તન-ગુરુ કા લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ નાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતા. તેઓનો જન્મ કારતક પૂર્ણિમાના દિવસે 1469માં લાહોર નજીક 40 કિલોમીટરે આવેલા તલવંડી ગામે થયો હતો.
આજે વિક્રમ સંવત 2074ની સૌપ્રથમ પૂર્ણિમા હોવાથી અંબાજી, ચોટીલા, ડાકોરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે.