Haj flight schedule : અમદાવાદથી રવાના થતી સ્પેશિયલ ફ્લાઇટનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, મુસાફરો માટે ખર્ચ ઘટ્યો અને સવલતો વધી
Haj flight schedule : ગુજરાતના હજયાત્રીઓ માટે આનંદના સમાચાર છે. 2025ના હજ મોસમ માટે અમદાવાદથી સ્પેશિયલ ફ્લાઇટ્સનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 2 મેથી શરૂ થઈ 30 મે સુધી આ ફ્લાઇટ્સ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવ્યા હોય તેવા હજયાત્રીઓને સાઉદી અરેબિયા લઈ જશે. ખાસ વાત એ છે કે, આ વર્ષે મુસાફરી ખર્ચમાં ઘટાડો નોંધાયો છે અને યાત્રાળુઓની સંખ્યા પણ વધી છે.
ખર્ચ ઘટ્યો, મુસાફરોની સંખ્યા વધીને 13,000 થઈ
2023માં હજ માટે એક યાત્રાળુનો ખર્ચ લગભગ ₹3.72 લાખ હતો અને ગુજરાતમાંથી અંદાજે 9,000 યાત્રાળુઓ ગયા હતા. 2024માં ખર્ચ ઘટીને ₹3.32 લાખ થયો અને યાત્રાળુઓની સંખ્યા 10,000 થઈ. હવે 2025માં ખર્ચ વધુ ઘટીને ₹3.24 લાખ થયો છે અને હજ માટે જતા મુસાફરોની સંખ્યા 13,000 થઈ છે. રાજ્ય હજ કમિટી તરફથી મુસાફરો માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવાઈ છે.
ફ્લાઇટ શિડ્યુલ: 2 મે થી 30 મે સુધી થશે રવાનગી
હજ માટેની ફ્લાઈટ્સ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દરરોજ રવાના થશે. દરેક યાત્રાળુ માટે સઘન ચેકિંગ, દસ્તાવેજોનું પુનઃપરીક્ષણ અને ખાનગી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. હજ કમિટીએ મુસાફરોને સરળતા રહે તે માટે ટ્રાન્સપોર્ટ, રહેવાની અને અન્ય સહાયક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે.
પરમિટ વિના હજ કરશો તો થશે લાખો રૂપિયાનો દંડ
સાઉદી અરેબિયાની સરકારે 2025ના હજ માટે કેટલાક નવા કડક નિયમો જાહેર કર્યા છે. જો કોઈ વ્યક્તિ બિનઅધિકૃત રીતે અથવા મંજૂરી વિના હજ યાત્રા માટે જાય છે તો તેને ₹4.5 લાખ સુધીનો દંડ ફટકારાશે. જો કોઈ એવાં યાત્રાળુઓને હોટેલ, વાહન અથવા કોઈપણ પ્રકારની મદદ આપે છે તો તેને પણ કાયદેસર રીતે જવાબદારી લેવામાં આવશે. કેટલાક કિસ્સાઓમાં ₹22 લાખથી વધુનો દંડ અને વાહન જપ્ત કરવાની જોગવાઈ પણ છે.
ટેકનોલોજીથી મક્કા અને પવિત્ર સ્થળો પર નજર
મક્કા અને આસપાસના પવિત્ર સ્થળોએ હાઇ ટેક સર્વેલન્સ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે માન્ય વિઝા વિના આવેલાં યાત્રાળુઓને ઓળખી શકે છે. આ નિયમોનો ઉદ્દેશ એ છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ, બોગસ એજન્ટો અને યાત્રાળુઓના શોષણ સામે સાઉદી સરકાર ઘાતક પગલાં ભરે.
યાત્રાળુઓને સાવચેતી રાખવાની સલાહ
હજ યાત્રા માટે સરકાર તરફથી અધિકૃત માધ્યમો મારફતે નોંધણી કરાવવી અનિવાર્ય છે. શંકાસ્પદ ટૂર પેકેજ કે બિનઅધિકૃત ટિકિટ વેચાણથી દૂર રહેવું જોઈએ. મુસાફરી પહેલાં તમામ દસ્તાવેજો, પરમિટ અને હજ વિઝાની પુષ્ટિ કરવી અત્યંત જરૂરી છે.