ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો છે. આ વીડિયોમાં હાર્દિક પટેલ ગુજરાત સહિત દેશભરના યુવાનોને કોમવાદ અને ધર્મવાદના રાજકારણ અંગેથી પરિચિત કરાવી રહ્યો છે અને યુવાનો સહિત તમામને એકતાની ભાવના રાખવાની અપીલ કરે છે. સાથો સાથે મુંબઈ એટીએસના સ્વ.વડા હેમંત કરકરેનો હત્યારો કોણ પુસ્તક વાંચવા પણ અપીલ કરે છે.
હાર્દિકે કહ્યું કે દેશમાં કેન્દ્ર સરકારમાં હિન્દુ વડાપ્રધાન છે. રાષ્ટ્રપતિ હિન્દુ છે. સરકાર હિન્દુઓની છે. મોટાભાગના રાજ્યપાલો હિન્દુ છે. જલ સેના, થલ સેના અને વાયુસેનાના એમ લશ્કરની ત્રણેય પાંખોના વડા પણ હિન્દુ છે. છતાંય દેશમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે ખાઈ પડવામાં આવી રહી છે. દેશને સાચા મુદ્દાઓથી ભટકાવી દેવાનું આ ષડયંત્ર છે. દેશમાં ધર્મવાદ-કોમવાદ ન થાય તેના માટે પ્રયાસો ચાલી રહ્યા છે. દેશ વિશ્વ ગુરુ બને તેના માટે કામ કરવાના બદલે દેશના યુવા ધનને કોમી વેરઝેરની આગમાં ભટકાવી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
હાર્દિકે કહ્યું દેશમાં બેરોજગારી વધી રહી છે. મહિલાઓની સુરક્ષા થઈ રહી નથી. ખેડુતોની સમસ્યાઓનો ઉકેલ નથી લવાતો. બસ દેશના ભાગલા પાડવા માટેના સમાચારો ચાલી રહ્યા છે. સાંજના પ્રાઈમ ટાઈમમાં બીજું કશું ચાલી રહ્યું નથી. મંદિર-મસ્જિદનો જ મદ્દો ચાલી રહ્યો છે. પાછલા 10-15 વર્ષથી મંદિર વહીં બનાયેંગેની વાતો કરવામાં આવી રહી છે. 30 વર્ષથી કેસ ચાલી રહ્યો છે. છેક 2019માં આવીને કહ્યું કે બે વિઘા જમીનનો વિવાદ છે બાકીની 78 વિઘા જમીન પર મંદિર બનાવી શકાય છે તો આટલા વર્ષોથી તમાશો કેમ કરવામાં આવ્યો. હિન્દુને મુસલમાનથી ખતરો નથી. અને મુસલમાનને હિન્દુથી ખતરો નથી. બન્નેને અલગ કરવાની રાજનીતિ ચાલી રહી છે. જો બન્ને અલગ હોય તો ચાંદો અને સૂરજ અલગ રાખવો પડે. પાણી અને શ્વાસ લઈએ તે હવાને પણ અલગ કરવી પડશે. આપણે માનવ છીએ અને માનવ બનીએ, માનવતા ખાતર.
હાર્દિકે કહ્યું કે રાત્રે પ્રાઈમ ટાઈમમાં હિન્દુ-મુસલમાનની ચર્ચા કરવી જરૂર નથી. ખેડુત આત્મહત્યા કરે છે તેમાં હિન્દુ-મુસલમાન નથી માત્ર ખેડુત છે. આ કેવું ભારત બની રહ્યું છે. ચૂંટણીનું રિઝલ્ટ આવે એટલે ટીવી પર ભારતનો નક્શો દેખાડવામાં આવે. કેસરી રંગમાં ભાજપ અને લીલા રંગમાં કોંગ્રેસ. લીલો રંગ તો ખેડુતોની હરીયાળીનો રંગ છે.
હાર્દિકે કહ્યું કે હેમંત કરેકરોનો હત્યારો કોણ આ પુસ્તક ઘણી બધી જગ્યાએ પ્રતિબંધિત છે. યુવાનોને આ પુસ્તક વાંચવા હાર્દિક પટેલે અપીલ કરી છે. હાર્દિકે વધુમાં કહ્યું કે કોઈ પણ લડાઈ લડવામાં પાછીપાની કરી નથી. અનામતની લડાઈ લોકોના સહકારથી સફળ થઈ અને દરેક સમાજને અનામત મળી છે. બેરોજગારી સામે લડવાની જરૂર છે, ખેડુતોની સમસ્યાને દુર કરવા લડાઈ લડવાની જરૂર છે. અંદરો-અંદર લડવાની કોઈ જરૂર નથી.