Harsh Sanghavi press briefing : હર્ષ સંઘવીનો સંદેશઃ અફવાઓથી ડરવાની જરૂર નહીં, સરકાર સમયસર ચોક્કસ માહિતી જાહેર કરશે
Harsh Sanghavi press briefing : પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સલામતી માટે રાજ્ય સરકારએ સજ્જતા દર્શાવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, હાલમાં સરહદી વિસ્તારોને લઈને તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારી પૂર્ણ કરવામાં આવી છે અને લોકોએ અફવાઓથી ડરવાની જરૂર નથી. સરકાર દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂર પડ્યે સાચી અને સત્તાવાર માહિતી જનતા સુધી પહોંચાડવામાં આવશે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે સરહદી સુરક્ષા માટે સેનાના તેમજ BSFના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી છે. એ ઉપરાંત સરહદી વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ મજબૂત બનાવી દેવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર પર કાર્યવાહી
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે સરકાર અને પોલીસ વિભાગ, બંને સોશિયલ મીડિયાની હરેક પોસ્ટ પર નજર રાખી રહ્યા છે. દેશવિરોધી પ્રવૃત્તિ કે અફવા ફેલાવતી પોસ્ટ્સને પગલે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તેમણે લોકોને અપીલ કરી કે સત્તાવાર સૂત્રો સિવાયની કોઈ પણ માહિતી પર વિશ્વાસ ન કરે, અને જાહેર થયેલા નિર્દેશોનું કડક પાલન કરે. સરહદી વિસ્તારોમાં રહેલા નાગરિકોની સુરક્ષા રાજ્ય માટે અગ્રમુખ્યતા છે અને સરકાર કોઈ પણ જાતની ચૂક થવા દેશે નહીં.