Weather Upadate: ગુજરાતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે તેવી હવામાન વિભાગની આગહીની સાથે-સાથે જુદા-જુદા સ્થળો માટે જુદા-જુદા એલર્ટ અપાયા છે અને પાંચ દિવસ સુધી ઉંચુ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં જ ગુજરાતમાં ઉનાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે ગુજરાતના 11 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડીગ્રીને પાર થયું હતું અને તેના પરથી જ આગ વરસાવતી ગરમીનો અંદાજ મેળવી શકાય છે. હિંમતનગરમાં 45 ડીગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી, જ્યારે સુરેન્દ્રનગર, ડીસા, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડીગ્રીએ ગરમીનો પારો નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસ 42 થી 44 ડીગ્રી વચ્ચે તાપમાન રહેશે.
હવામાન વિભાગે અમદાવાદમાં શનિવાર-રવિવારના ઓરેન્જ એલર્ટ જ્યારે સોમવાર-મંગળવારના યલો એલર્ટ જાહેર કરી છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 22-મે સુધી 44 ની આસપાસ તાપમાન રહેશે અને ત્યારબાદ પારો 46 સુધી પહોંચી શકે છે.
ગત્ રાત્રિએ અમદાવાદમાં 31 ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 3.5 ડીગ્રી વધ્યું હતું.
આમ, રાત્રિના પણ ગરમીથી લોકો ત્રસ્ત થયા હતાં. શુક્રવારે રાજયમાંથી અન્યત્ર જ્યાં 41 ડીગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડાંગ, છોટા ઉદેપુર, વડોદરા, અમરેલી, રાજકોટ, ભૂજનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં તાપમાનમાં 2-3 ડીગ્રીનો વધારો થઈ શકે છે. પાંચ દિવસ રાજયના મોટાભાગના શહેરમાં યલો એલર્ટ છે.
ગુજરાતના મોટાભાગના શહેરમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પોરબંદર, રાજકોટ, દ્વારકા, વલસાડ, સુરત સહિત રાજયના મોટાભાગના શહેરમાં આગામી પાંચ દિવસ હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. અમદાવાદમાં 22મી સુધી તાપમાન 44 ની આસપાસ રહેશે અને ત્યારબાદ પારો 46 ડીગ્રીએ પહોંચે તેવી સંભાવના છે.