Gujarat: ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.
Gujarat હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. સુરતના પલસાણામાં માત્ર બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. તો જિલ્લાના કામરેજ વિસ્તારમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ બે કલાકમાં જોવા મળ્યો છે. આ સિવાય 23 તલુકાઓમાં મેઘરાજાની પધરામણી થઈ છે.
વરસાદી વાતાવરણથી ગરમીમાં રાહત મળી
તમને જણાવી દઈએ કે, છેલ્લા એક અઠવાડીયાથી રાજ્યમા વરસાદનો વિરામ જોવા મળ્યો હતો. જેને પગલે બે દિવસથી ભારે ગરમી અને ભેજવાળુ વાતાવરણ છવાયું હતું. બધા મેઘરાજાની ફરી એન્ટ્રી થાય તે માટે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે ફરી વરસાદી વાતાવરણ સર્જાતા દક્ષિણ ગુજરાતમાં ગરમીમાં રાહત મળી છે.
સુરત સહિત નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું, બપોરે 11.45 બાદ કાળા ડિબાંગ વાદળા સુરત જિલ્લામાં જોવા મળ્યા અને બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં મનમુકીને વરસાદ પડ્યો. ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, સુરતના પલસાણામાં સૌથી વધુ 53 મીમી વરસાદ નોંધાયો છે. તો જિલ્લાના કામરેજમા 37 મીમી વરસાદ, તો નવસારીના ખેરગામમાં પણ 37 મીમી વરસાદ નોંધાયો છે.
આ સિવાય, વલસાડના ધરમપુરમાં 26 મીમી, નવસારીના ચીખલીમાં 25 મીમી, ભરૂચમાં 21 મીમી, અંકલેશ્વરમાં 17 મીમી, વાલીયા અને ઓલપાડમાં 13 મીમી, નવસારીના ગણદેવીમાં 10 મીમી, મહુવામાં 8 મીમી, ઘોઘા અને બારડોલીમાં 7 મીમી, નવસારી શહેરમાં 6 મીમી, સુરત શહેરમાં 5 મીમી, પાલીતાણા અને વાંસદામાં 4 મીમી, સાબરકાંઠાના પ્રાંતિજમાં 3 મીમી, ડાંગના સુબીરમાં 3 મીમી, સુરતના માંડવીમાં 2 મીમી, તો વઘાઈ અને જલાલપોરમાં 1-1 મીમી વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 17 તાલુકાઓમાં વરસાદ
જો છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો,રાજ્યના 17 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામ અને ભાવનગરના તળાજામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
આજે કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી અનુસાર, આજે 20 ઓગસ્ટ 2024, મંગળવારના રોજ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ જણાવવામાં આવી છે. હવામાન વિભાગે સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સથે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.