High Alert In Gujarat : પાકિસ્તાની ખતરા સામે ગુજરાત તૈયાર, હાઈ એલર્ટ સાથે ઈમરજન્સી બેઠક
High Alert In Gujarat : પાકિસ્તાન તરફથી મિસાઈલ અને ડ્રોન હુમલાના પ્રયાસો બાદ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા દ્રષ્ટિએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે તાત્કાલિક ઉચ્ચસ્તરિય બેઠક બોલાવવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી અને વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી છે.
આ બેઠકમાં રાજ્યભરમાં, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ છે અને ઈમરજન્સી સ્થિતિઓ માટેની તૈયારીઓ વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી છે. વિવિધ સુરક્ષા એજન્સીઓને બહોળા સંકલન અને ઝડપથી પ્રતિસાદ આપવા માટે તૈયાર રહેવા માટે સૂચનાઓ અપાઈ છે.
કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં વિશેષ ચેકિંગ
રાજ્યના ત્રણ સરહદી જિલ્લામાં ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા જેવા પાકિસ્તાનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), મરીન પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ના જવાનો તૈનાત કરાયા છે. ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી વધુ કડક બનાવવામાં આવી છે.
ઇમરજન્સી બેઠકમાં શું ચર્ચા ?
ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન અપાયું:
સરહદી વિસ્તારોમાં પોલીસ અને BSF વચ્ચે સંકલન વધુ મજબૂત કરવો
રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ અને ડ્રોનથી મોનીટરીંગ વધારવું
ઈમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ માટે ટીમોનો બેકઅપ તૈયાર રાખવો
સ્થાનિક વસ્તીને સતર્ક રાખવા અને જરૂરી સૂચનાઓ આપવી
સ્થિતિ પર નજર
ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી થયેલા હુમલાના પ્રયાસોને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે. એટલા માટે જ ગુજરાત સરકાર કોઇપણ સંભવિત જોખમને લઈને એલર્ટ પર છે. આ નિર્ણય વડા પ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ લેવાયો છે.
ચેતવણી છતાં શાંતિ
રાજ્ય સરકારએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. સરકારી તંત્ર દરેક સ્થિતિ માટે સંપૂર્ણ રીતે સતર્ક છે અને જાહેર જનતાનું રક્ષણ તેની પ્રથમ પ્રાથમિકતા છે.