ગુજરાત હાઇકોર્ટે ધર્મ બદલી મુસ્લિમ વ્યકિત સાથે લગ્ન કરનાર હિન્દુ યુવતીને તેના પિતાની પૈતૃક સંપત્તિમાં અધિકાર આપવાનો આદેશ આપ્યો છે. ન્યાયધીશ જે.બી.પર્દીવાલાએ આદેશમાં કહ્યુ છે કે, યુવતીનો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ પિતાની પૈતૃક સંપત્તિમાં હિસ્સો રહેશે. આદેશમાં કહ્યુ છે કે અધિનિયમમાં ધર્મ બદલવા પર વારસને પૈતૃક સંપત્તિથી વંચિત કરવાની જોગવાઇ નથી. આ ફકત ધર્મ બદલી લગ્ન કરનાર બાળકોને તેમના હિન્દુ સંબંધીઓની સંપત્તિના ઉત્તરાધિકાર લેવાથી વંચિત કરે છે.હાઇકોર્ટે રાજયના મહેસુલ વિભાગને આદેશ આપ્યો છે કે યુવતીના પિતાના વારસોમાં તેનુ નામ પણ સામેલ કરે. મહેસુલ વિભાગે નામ યાદીમાંથી એવુ કહીને કાઢી નાખ્યુ હતુ કે તે મુસ્લિમ બની ગઇ છે તેથી તે પોતાના પિતાની વારસ નથી. નસીમબાનો ફિરોઝખાન પઠાન (ઉર્ફે નયનાબેન ભીખાભાઇ પટેલ) વડોદરાની રહીશ છે. ફિરોઝ સાથે લગ્ન કરતા પહેલા તે ૧૧ જુલાઇ ૧૯૯૦ના રોજ મુસ્લિમ બની ગઇ હતી. નસીમબાનોના પિતા ભીખાભાઇનું ર૦૦૪માં અવસાન થયુ હતુ. પિતા પાસે ગામમાં ઘણી જમીન હતી. જયારે નસીમે દાવો કર્યો તો તેના ભાઇ-બહેને વિરોધ કર્યો હતો. ડે.કલેકટરે નસીમના પક્ષમાં ફેંસલો આપતા સ્વીકાર્યુ હતુ કે, પિતાની સંપત્તિમાં તેનો ભાગ હોવો જોઇએ પરંતુ કલેકટર અને રાજયના મહેસુલ સચિવે ડે.કલેકટરનો ફેંસલો બદલતા કહ્યુ હતુ કે, નસીમ પોતાની મરજીથી મુસ્લિમ બની છે તેથી આ મામલામાં હિન્દુ વારસા એકટ લાગુ ન થાય. ન્યાયધીશ પર્દીવાલાએ પોતાના ફેંસલામાં કહ્યુ હતુ કે, જુના હિન્દુ શાસ્ત્રીય વિધિ સંહિતાના ઉલટ આધુનીક ભારતીય કાનૂન ઉતરાધિકારના મામલામાં અલગ વ્યવસ્થા છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.