છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના રાજકારણમાં નરેશ પટેલને લઈને ખૂબ ચર્ચાઓ, અટકળો, અફવાઓ ચાલી રહી છે, મોઢા તેટલી વાતોનો દોર અવિરત ચાલુ છે, તેવામાં હવે મનાઈ રહ્યું છે ત્યાં સુધી નરેશ પટેલ અંતે કોંગ્રેસમાં જોડાઈ શકે છે, જેના માટે ગઈકાલે નરેશ પટેલ અને પાટીદાર સમાજના ચાર કોંગ્રેસી ધારાસભ્યોએ દિલ્હી ખાતે કોંગ્રેસના હાઈ કમાન સાથે મુલાકાતો કરીને પોતાનો ફોર્મ્યુલા રજૂ કર્યો છે.
આજ સુધી એક પણ પક્ષ બાકી નહિ હોય જેણે નરેશભાઈ પટેલને પોતાની પાર્ટીમાં સમાવવા માટે આમંત્રિત ના કર્યા હોય, ત્યારે ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પાટીદાર સમાજની નજર દિલ્હી ગયેલા નરેશભાઈ ઉપર છે કે આ મુલાકાત કોંગ્રેસ પાર્ટી સાથેની છેલ્લી મુલાકાત હશે કે કેમ.
જે રીતે આજકાલ નરેશભાઈ પટેલને લઈને ચર્ચાઓ થઈ રહી છે, તે પ્રમાણે એવું જ કહેવાય રહ્યું છે કે નરેશભાઈ રાજકારણમાં આવે એટલે સમગ્ર ગુજરાતનું રાજકારણ ફેરવી નાખે, પણ આવી વાતોમાં કોઈ માલ નથી.
રાજકારણમાં જોડાઈને નરેશભાઈ પોતાના માટે અને પટેલ સમાજ માટે ઘણુંબધું કરી શકે છે, તેમની કોંગ્રેસ સમક્ષ એવી માંગની ચર્ચાઓ છે કે સૌરાષ્ટ્રમાં જે 26 જેટલી પટેલ સમાજના પ્રભુત્વવાળી બેઠકો છે તેમાં પોતાના મનપસંદ ઉમેદવારોને કોંગ્રેસમાંથી ટિકિટો અપાવે, હવે બીજીબાજુ જો નરેશ પટેલ કોંગ્રેસમાં આવીને સૌરાષ્ટ્રમાં આ પ્રકારની રણનીતિ માંડે તો હાલમાં જે પટેલ સિવાયના અન્ય સમાજના નેતાઓ કોંગ્રેસમાં છે અને ચુંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યાં છે તેવા નેતાઓ નરેશ પટેલ, તેમના ટેકેદારો અને છેલ્લે કોંગ્રેસ સામે જ બળવો કરીને પાર્ટી છોડી દ
દે… અને એટલા માટે જ હજી પણ નરેશ પટેલને લઈને નવા વંટોળ આવે તો નવાઈ નહી.
નરેશ પટેલને લઈને કોંગ્રેસનો પોતાનો સ્વાર્થ છે જ્યારે રાજકારણમાં જોડાઈને ખુદ નરેશ પટેલ અને પટેલ સમાજનો પણ પોતાનો સ્વાર્થ છે, આવા સમયે અન્ય સમાજના કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો નરેશ પટેલના આવવાથી જો અસુરક્ષા અનુભવે તો કોંગ્રેસનો દાવ ખરેખર ઉલટો પડી જાય.
કોંગ્રેસને આ દરેક પરિબળોનો ખ્યાલ હોય તે સ્વાભાવિક છે, અને એટલે જ નરેશ પટેલને લઈને વાતો ચર્ચાઓ વિલંબીત થઈ હોય…આવા સમયે નરેશ પટેલ અને પાટીદાર નેતાઓ દ્વારા કોંગ્રેસ હાઈકમાન સામે મૂકેલો ફોર્મ્યુલા સ્વીકારવામાં ન આવે તો કોંગ્રેસની સ્થિતિ ખૂબ વણસી જાય.
આગામી થોડા દિવસો બાદ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સમાજની હોસ્પિટલનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા આવશે ત્યારે આજે દિલ્હી ખાતે નરેશ પટેલ અને પટેલ ધારાસભ્યો દ્વારા કોંગ્રેસના હાઈકમાન સામે રજૂ કરાયેલી વાતો ન સ્વીકારાય તો આટકોટ ખાતે નરેશ પટેલ અને તના ટેકેદાર કોંગ્રેસના નેતાઓ સહિતના લોકો વડાપ્રધાનની હાજરીમાં ભાજપમાં પણ ભળી જાય…. રાજકારણ છે… શક્ય છે… ત્યાં સુધી માત્ર અટકળો છે… ચર્ચાઓ છે…