પાટણ શહેરમાં જે કોઈ વ્યક્તિ કે વ્યવસાયકારો ગંદકી કે કચરો રસ્તા પર ફેંકતા પકડાશે તો તેમની પાસેથી પ્રથમ દંડકીય કાર્યવાહી અને પછી કાયદેસરની કાર્યવાહી કરવા નગરપાલિકા દ્વારા શુક્રવારે નિર્ણય કરાયો હતો . શનિવારે વિવિધ વિસ્તારોમાં વાહન મારફતે ચેતવણી માટેનું એનાઉન્સીંગ કરવામાં આવશે અને કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી કરવા બેઠકમાં નક્કી કરાયું હતું.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે શહેરની સફાઈ અને સ્વચ્છતા બરાબર ન હોવાની નારાજગી વ્યક્ત કરી શહેરનેતાત્કાલિક સ્વચ્છ કરવા માટે તંત્રને સૂચના આપી હતી.
કલેક્ટર કચેરીમાં મળેલી બેઠકમાં સખત પગલાં લેવા કલેક્ટર દ્વારા સૂચના અને જરૂરી મદદની ખાતરી આપી હતી . જેમાં નક્કી કરાયા મુજબ શહેરમાં તમામ દુકાનદાર , વ્યાપારી , લારી ગલ્લા ધારક , હોટલ માલિકો અને હોસ્પિટલ ધરાવતા તબીબોને દુકાન , લારી કે હોસ્પિટલનો કચરો રોડ ઉપર જાહેરમાં નાખવા પર પ્રતિબંધ મૂક્યો છે . દુકાન ખોલતા કે બંધ કર્યા બાદ રોડ ઉપર કચરો નાખતા પકડાશે તો તેમની પાસે પાલિકા દ્વારા નિયમ અનુસાર દંડ કરાશે અને તે પછી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે . કચરો બંને ટાઈમ ઘટા ગાડીમાં જ નાખવાનો રહેશેશનિવારે પાલિકા દ્વારા શહેરના ત્રણ દરવાજાથી હિંગળાચાચર , જુના ગંજ બજાર , બગવાડા દરવાજા , પારેવા સર્કલ , રેલ્વે સ્ટેશન , જનતા હોસ્પિટલ , સિદ્ધપુર ચાર રસ્તા , ડીસા ત્રણ રસ્તા , કલેકટર કચેરી , સિધ્ધરાજ સર્કલ રૂટ પર તમામ વિસ્તારોમાં વાહન મારફતે માઇકથી એનાઉન્સીંગ કરાશે . જેમાં શહેરનો 70 % કોમર્શિયલ વિસ્તાર આવરી લેવાશે . દરેક વ્યવસાયકારને તેમનો કચરો પાલિકાની બંને ટાઈમ આવતી ઘંટા ગાડીમાં નાખવા સૂચિત કરાશે તેમ ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર મુકેશભાઈ રાવલે જણાવ્યું હતું.