ગુજરાતના નાગરિકોને હવે ઘરે બેઠા ઓનલાઇન ઇ-સ્ટેમ્પની સુવિધા મેળવી શકાશે. સ્ટેમ્પ પેપરના કાળા બજારને નાથવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મહેસુલપ્રધાન કૌશીક પટેલે પત્રકાર પરિષદ યોજીને રાજ્યની જનતા હવેથી ઇ સ્ટેમ્પ પર દસ્તાવેજોની નોંધણી કરી શકશે તેવી જાહેરાત કરી.
કૌશિક પટેલે જણાવ્યું કે રાજ્યમાં હાલ 474 સુવિધા કેન્દ્રો કાર્યરત છે. અને રાજ્યમાં હવે ઇ સ્ટેમ્પીંગના વ્યાપને વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. કોમન સર્વિસ સેન્ટર અને નોટરીની કચેરીમાં ઇ-સ્ટેમ્પની સુવિધા શરૂ કરી દેવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યના નાગરિકોને દસ્તાવેજી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. સાથે જ સ્ટેમ્પ પેપરના વેચાણ માટે ઉદભવતા કાળા બજારનો અંત આવશે. આ ઉપરાંત કૃત્રિમ અછત, ગેરરીતી અને છેતરપીંડીના કિસ્સાઓ પર પણ નિયંત્રણ આવશે.