ગુજરાત માં વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ હવે ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનો ધમધમાટ રહેશે. જે અંતર્ગત આજે રાજ્યની ૧૪૨૩ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે ચુંટણી શરૂ થઈ છે. જેમાંથી ૨૭૦ ગ્રામ પંચાયત સમરસ થતા હવે માત્ર ૧૧૫૩ ગ્રામ પંચાયતમા આજે ચુંટણી માટે મતદાન શરૂ થયું છે. આ પંચાયતમાં કુલ ૬૦૪૯ બેઠકની ચુંટણી યોજાશે. જયારે સરપંચના ૧૧૨૯ પદ માટે ચુંટણી યોજાઈ રહી છે.
સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચુંટણી રાજકીય પક્ષના ચિહ્નન પર લડાતી નથી. પરંતુ રાજકીય પક્ષોના સમર્થકો આ ચુંટણીમાં જંપલાવે છે. તેથી તેના પરિણામો આવ્યા બાદ રાજકીય પક્ષો પોત પોતાના પક્ષના જીતનો દાવો કરે છે. ગ્રામ પંચાયતની ચુંટણી માટે સવારે ૮ વાગેથી મતદાન શરુ થયું છે જે સાંજે પાંચ વાગે સુધી ચાલશે.
આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં જે રીતે ભાજપને પાતળી બહુમતી મળી હતી. તેમજ ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો હતો. જયારે ભાજપને ગ્રામીણ મતદારોમાં ફટકો પડ્યો હતો. જેના પગલે આ ચુંટણીમાં થનારું મતદાન ભાજપ માટે અગ્નિ પરીક્ષા સમાન છે. તેમજ આ ચુંટણી પૂર્ણ થયા બાદ ૧૭ ફેબુઆરીના રોજ ૭૫ નગરપાલિકાની પણ ચુંટણી યોજાવવાની છે. જેનું પરિણામ ૧૯ ફેબ્રુઆરીના રોજ જાહેર થવાનું છે.