ગુજરાતમાં કોરોનાના 47 દર્દીઓ સામે આવી ચૂક્યા છે અને જેમાંના 3 લોકોના મોત પણ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાનાના કહેરને ડામવા માટે ગુજરાતે હોસ્પિટલ ઉભી કરવા મામલે ચીનનો રેકોર્ડ તોડી નવો વિક્રમ બનાવ્યો છે. ચીને 10 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ ઉભી કરી હતી. પરંતુ ગુજરાતે માત્ર 6 દિવસમાં જ 2200 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરી છે. ગુજરાત સરકાર દ્વારા 21 માર્ચે રાજ્યના 4 શહેરોમાં 2200 બેડની સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને માત્ર 6 દિવસમાં આ હોસ્પિટલો તૈયાર થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં સૌથી મોટી 1200 બેડની હોસ્પિટલ ઉપરાંત સુરતમાં 500, વડોદરામાં 250 અને રાજકોટમાં 250 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે. આમ બીજા કોઈને કોરોનાનો ચેપ ન લાગે તે માટે કોરોનાના દર્દીઓને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં તમામ સાધનો અને દવાઓ સાથે WHO(વિશ્વ આરોગ્ય સંસ્થા) અને કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ગાઇડ લાઈન મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાનો પગપેસારો થતાની સાથે જ એલર્ટ બનેલી રાજ્ય સરકારે 21 માર્ચે અમદાવાદમાં 12૦૦-બેડ, સુરત-500 બેડ, રાજકોટ-250 બેડ, વડોદરા-250 બેડની ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તાત્કાલિક ધોરણે કાર્યરત કરવાની જાહેરાત કરી હતી. જેમાં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની નવિન હોસ્પિટલને કોરોના વાઈરસના પોઝિટીવ કેસિસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે. આ હોસ્પિટલ જલ્દીથી જલ્દી કાર્યરત થઇ જાય તે માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી.
જ્યારે રાજકોટ સિવિલમાં નવી બનાવાયેલ સુપર સ્પેશયાલિટી હોસ્પિટલના 4 માળને આઇસોલેશન વોર્ડ બનાવી દેવાયા છે, અને ત્યાં 200 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલ ખાતે ઇન્ફેક્ટીવ-ડીસીઝ કન્ટ્રોલ હોસ્પિટલ તરીકે આઇડેન્ટીફાય કરી આઇસોલેશન વોર્ડના દર્દીઓને તેમાં દાખલ કરાશે. આ હોસ્પિટલ હાલ કોવિડ 19 હોસ્પિટલ તરીકે ઓળખાશે અને રીજીયન હોસ્પિટલ બની રહેશે. તેમજ જરૂર પડ્યે રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓને આઇસોલેટેડ કરાશે. તેની સાથે સાથે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં 50 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.