India Pakistan ceasefire : ભારત સરકારે જાહેર કર્યું સીઝફાયર, કચ્છ-જામનગર-સુઈગામમાં હટાવ્યો બ્લેકઆઉટ
India Pakistan ceasefire : દેશના સુરક્ષાસંવાદમાં ભારે ઉતાર-ચઢાવ બાદ ભારત સરકારે સાંજે 5 વાગ્યે પાકિસ્તાન સાથે સીઝફાયરની જાહેરાત કરી છે. આ નિર્ણય પહેલાં જ ગુજરાતના સરહદી વિસ્તારો ખાસ કરીને કચ્છ, જામનગર, વાવ અને સુઈગામના ગામોમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. સવારે વહેલી ઘડીએ કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન ઊડતાં જોવા મળ્યા હતા અને સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
વાહનોના અવાજ સાથે જ લોકોની આંખો ખૂલી ગઈ – તેવા દ્રશ્યો આદિપુર, લોરિયા અને નાની ધ્રુફી જેવા વિસ્તારોમાં જોવા મળ્યા હતા. અહીં ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભુજના લોરિયા વિસ્તારમાં પણ શંકાસ્પદ ડ્રોન અવકાશમાં દેખાયો હતો.
દરમિયાન, કંડલા અને અદાણી પોર્ટને પણ સુરક્ષાના પગલાં સ્વરૂપે તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા. કચ્છના નાગરિકો માટે વાતાવરણ એવા સંકટમય હતું કે જાણે 1971ના યુદ્ધની ગુંજ ફરી સંભળાઈ રહી હોય.
પાકિસ્તાન તરફથી ડ્રોન પ્રવેશના બનાવો 8 મેના રોજ શરૂ થયા હતા. શરૂઆતમાં કુરણ વિસ્તારમાં ડ્રોન તોડી પડાયો હતો અને પછી રાત્રે સિર ક્રીક વિસ્તારમાં વધુ ત્રણ ડ્રોન દેખાયા હતા. 9 મેના રોજ આખા કચ્છ જિલ્લામાં રાત્રી દરમિયાન બ્લેકઆઉટ જાહેર કરાયું હતું અને ત્યાર બાદ પણ બીજી લહેરમાં ડ્રોન પ્રવેશ નોંધાયો.
સુરક્ષા એજન્સીઓએ જણાવ્યુ હતું કે લખપત, લક્કી નાળા અને કુંવર બેટ જેવા વિસ્તારોમાં રાતે અનેક ડ્રોન દેખાયા હતા. કેટલાક ડ્રોનને તોડી પાડવામાં આવ્યા, જ્યારે કેટલાક અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયા. લોકલ ખેડૂતો અને વસ્તીઓ દ્વારા પણ ડ્રોનની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે.
દૃશ્યો અને સાક્ષીઓ:
નાની ધ્રુફી ગામ પાસે તોડી પાડવામાં આવેલા ડ્રોનના ટુકડા મળ્યા.
પાટ ગામ નજીક પણ ડ્રોનને નીચે પાડવામાં આવ્યો હતો.
આદિપુર વિસ્તારમાં એક ડ્રોનના સળગેલા અવશેષો મળી આવ્યા હતા.
બેરાજા અને નાની ધ્રુફી વચ્ચેના ખેતરમાં ડ્રોન કે રૉકેટ જેવી વસ્તુનો જળેલો કાટમાળ જોવા મળ્યો.
અબડાસાના ખેડૂતોએ પોતાની જમીનમાં ડ્રોન તૂટી પડતો નજરે જોયો હતો.
હાલમાં ભારત સરકારના સીઝફાયરના નિર્ણય બાદ ગામોમાં થોડી રાહતની લાગણી જોવા મળી છે. બ્લેકઆઉટ હટાવવામાં આવ્યા છે અને પોર્ટો ધીમેધીમા ફરીથી ચાલુ થવાના સંકેત મળ્યા છે. તેમ છતાં, સરહદી વિસ્તારોમાં સેનાનું વધારેલું જોખમ યથાવત છે અને લોકો હજુ પણ સતર્કતા સાથે જીવી રહ્યા છે.