India Pakistan War : ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પાટણના સરહદી વિસ્તારોમાં 72 ગામ અંધારપટમાં, સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકારે લીધા મહત્વના પગલાં
India Pakistan War : ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી રહી છે અને પરિસ્થિતિ યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે. પાકિસ્તાનના ઘૂસણખોરી હુમલાને કારણે ભારતે પણ ગંભીર પગલાં લેતા પાટણ જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા માટે મહત્વની કાર્યવાહી શરૂ કરી છે.
સાંતલપુર તાલુકાના સરહદી 72 જેટલા ગામોમાં તત્કાલ અસરથી વિજળી કાપી દેવામાં આવી છે, જેને “બ્લેકઆઉટ” તરીકે ઓળખવામાં આવે છે. આ નિર્ણય સુરક્ષા દ્રષ્ટિએ લેવામાં આવ્યો છે જેથી રાત્રિના સમયે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિથી બચી શકાય. બનાસકાંઠા જિલ્લાના વાવ અને સુઈગામ તાલુકાઓના બોર્ડર વિસ્તારોમાં પણ આ જ પગલાં લેવામાં આવ્યા છે. અહીં કુલ 24 ગામોને બ્લેકઆઉટમાં રાખવામાં આવ્યા છે – જેમાં વાવના 13 અને સુઈગામના 11 ગામોનો સમાવેશ થાય છે.
બનાસકાંઠાના કલેક્ટરે માહિતી આપી છે કે આ પગલાં પાકિસ્તાન તરફથી મળેલી ઘમકી અને હુમલાની શકયતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં જમ્મુ, પઠાનકોટ અને રાજસ્થાનની સરહદો પર હુમલાઓ કર્યા છે, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક નાકામ કરી દીધા છે.
પાકિસ્તાનની અનેક મિસાઈલો અને ડ્રોનને હવામાં જ ખતમ કરવામાં આવ્યા છે. પઠાનકોટ એરબેઝ, જમ્મુ અને ઉધમપુર સહિતના વિસ્તારોમાં પાકિસ્તાને ગોળીબાર કર્યો હોવાના અહેવાલો છે. ભારતીય સેના દ્વારા આ હુમલાનો તરત જ મજબૂત પ્રતિસાદ આપવામાં આવ્યો છે. હાલ જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે બંધ છે અને જમ્મુ તથા આસપાસના વિસ્તારોમાં પણ વિજળી કપાઈ ગઈ છે.
દેશના અન્ય હાઈ-સેન્સિટિવ વિસ્તારો જેમ કે ધર્મશાળા, ફિરોઝપુર, ગુરદાસપુર, બાડમેર, જેસલમેર, અને દિલ્હી–પંજાબ વચ્ચે ચાલી રહેલી IPL મેચ પણ રદ કરી દેવામાં આવી છે. સ્ટેડિયમ ખાલી કરાવાયા છે અને ફલડલાઇટો બંધ કરી દેવામાં આવી છે.
વિશેષ નોંધનીય છે કે પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનના 9થી વધુ આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઈક કરી હતી. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ સતત યુદ્ધવહી પ્રવૃત્તિઓ શરૂ કરી છે, જેને ભારત દ્વારા સતત પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે.