છેલ્લા કેટલાય વર્ષોથી ગૌણ સેવા પસંદગી મંડળમાં થયેલી કથિત ગેરરીતિ હોય કે પછી ગુજરાત પોલીસ, એલઆરડી ભરતી તેમજ વનરક્ષકની ભરતી, અને ઊર્જા વિભાગની ભરતી પ્રક્રિયાઓ સહિતની અનેક સરકારી ભરતીઓમાં થતાં કથિત કૌભાંડોને પોતાની શૈલીમાં પ્રજા સમક્ષ લાવનાર ફાયર બ્રાન્ડ આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજા ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળોએ આજકાલ જોર પકડ્યું છે.
ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ જાડેજા દ્વારા ગયા અઠવાડિયે વિદ્યાસહાયકોના અમુક પ્રશ્નોને લઈને ગાંધીનગર સચિવાલય ખાતે સરકારી તંત્રને ઘેરવાના પ્રયાસો કરાયા હતા, જે બાદ પોલીસ દ્વારા કથિત રીતે એક વીડિયો જાહેર કરાયો હતો, જેમાં યુવરાજસિંહ દ્વારા સુરક્ષા જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ કરાયા હોવાનો આરોપ લાગેલ.
ત્યારબાદ પોલીસ દ્વારા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવેલી અને અમદાવાદની સાબરમતી જેલમાં નાખવામાં આવેલ.આ સમગ્ર ઘટના બાદ રાજ્યમાં વિદ્યાર્થી સંગઠનો અને ખાસ કરીને ક્ષત્રિય સંગઠનો દ્વારા અનેક આવેદનપત્રો રજૂ કરવામાં આવેલ છે.
હવે યુવરાજસિંહને લઈને આજથી કંઇક અલગ જ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય દબાણોને લઈને ભાજપા દ્વારા યુવરાજસિંહને ભાજપમાં શામેલ કરવામાં આવી શકે છે, જેના માટે ભાજપના મોટા ક્ષત્રિય રાજનેતાઓને કામે લગાડ્યા હોવાનું રાજનૈતિક ગલીઓમાં ચર્ચાઈ રહ્યું છે.
ચર્ચાતી આવી બાબતો વધુ પ્રબળ ત્યારે પણ બને છે કે આપ પાર્ટી નેતા યુવરાજસિંહ આજ સુધીમાં એક પણ વાર પાર્ટીના મોટા મંચ પર જોવા મળ્યા નથી, છેલ્લે જ્યારે અમદાવાદ ખાતે ‘આપ’ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં ‘ત્રિરંગા યાત્રા‘ નું આયોજન થયેલું તે સમયે પણ યુવરાજસિંહની ત્યાં હાજરી નહોતી.ઉલ્લેખનીય છે કે સત્તાધારી પાર્ટીઓ અમુક દબાણોથી મોટા ઉલટફેર કરી શકે છેે તે કોઈ નવાઈની વાત નથી હોતી, હવે યુવરાજસિંહની બાબતોમાં જોવું રહ્યું કે આગામી ચૂંટણી પહેલાં આ બાબતને લઈને શું શું રાજકારણ ખેલાઈ શકે છે.