IT Department Issues Notice To Kodinar Youth : ₹10,000 પગાર અને ₹115 કરોડની IT નોટિસ! કોડીનારના યુવકના જીવનમાં અચાનક આવ્યું આર્થિક ભૂકંપ
IT Department Issues Notice To Kodinar Youth : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના એક સામાન્ય યુવક, શેખ આસિફભાઈ મહમ્મદભાઈ, જેને મહિને માત્ર ₹10,000 પગાર મળે છે, તેને આવકવેરા વિભાગ તરફથી આશ્ચર્યજનક રીતે ₹115.92 કરોડના ટ્રાન્ઝેક્શન્સનો હિસાબ માંગતી ત્રણ નોટિસ મોકલવામાં આવી છે.
અસલમાં આસિફભાઈ કોડીનારના એક રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. નોટિસ મળ્યા બાદ તેમણે જણાવ્યું કે, “મારા ખાતામાં માત્ર ₹475 હતા. મેં ક્યારેય ₹2 લાખ પણ નજરે જોયા નથી”. આ અણપેક્ષિત નોટિસ મળતા તેમણે તરત કોડીનાર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે.
આવકવેરા વિભાગે શું કહ્યું?
આવકવેરા વિભાગના એક અધિકારીએ બિનસત્તાવાર રીતે કહ્યું કે, “શક્ય છે કે શેખ આસિફના પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજોની મદદથી કોઈએ તેમની ઓળખનો દુરૂપયોગ કર્યો હોય. આ પ્રકારના કૌભાંડો સામે હવે વધુ જાગૃતિ જરૂરી છે.”
આવકથી અનેકગણું મોટું દાવપેચ, જનતામાં ભયનો માહોલ
આ પહેલા પણ સાબરકાંઠાના ઇડરના યુવકને આવક કરતાં અનેકગણો ટેક્સ હિસાબ માંગતી આવકવેરાની નોટિસ મળી હતી. ત્યારે હવે ફરી આવો કિસ્સો સામે આવતા સામાન્ય નાગરિકોમાં ભય અને અવિશ્વાસનો માહોલ ઊભો થયો છે.
તમારા પાન કાર્ડની ગુપ્તતા જાળવો, નહીં તો…
આ સમગ્ર ઘટનાથી એક મોટો સંદેશ સ્પષ્ટ છે – “આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ અત્યંત સંવેદનશીલ દસ્તાવેજ છે. જો તેનો દુરુપયોગ થાય, તો એક સામાન્ય નાગરિકને કરોડોની લેણદેણની જવાબદારીનો ભોગ બનવો પડી શકે છે.”
નાગરિકોએ પોતાનું પાન કાર્ડ કોઈ પણ સ્થિતિમાં અજાણ્યા લોકો સાથે શેર ન કરવું, ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ખાસ સાવચેતી રાખવી અને નિયમિતપણે પોતાના પાન કાર્ડ સાથે જોડાયેલા બેંક અને ફાઇનાન્સીયલ ટ્રાન્ઝેક્શન્સ ચકાસતાં રહેવું જોઈએ.